- કોરોનાની મહામારીમાં રાહત મળતા સરકારે જન્માષ્ટમીને લઈને લીધો નિર્ણય
- રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાને આપવામાં આવી મંજૂરી
- કોરોના ગાઇડલાઇન્સ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નિકળશે શોભાયાત્રા
રાજકોટઃછેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી દેશમાં કોરોનાની મહામારી છે. એવામાં આ વર્ષે કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાને આરે છે, ત્યારે કોરોનાના કેસ ઓછા થવાના કારણે રાજ્ય સરકાર દ્વારા તહેવારને લઈને થોડી છૂટછાટ જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવા માટેની પણ પરવાનગી આપી છે. આ સાથે જ જન્માષ્ટમી નિમિત્તે પણ રાત્રી કર્ફ્યૂ થોડા સમય માટે ઘડવામાં આવ્યું છે, ત્યારે રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાની મંજૂરી માંગવામાં આવી હતી. જેને પોલીસ કમિશ્નર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જ્યારે આ શોભાયાત્રાનો રૂટ ઘટાડવામાં આવ્યો છે અને કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા યોજાશે.
આ પણ વાંચો:જો જન્માષ્ટમી પર આ યોગમાં કૃષ્ણની પુજા કરશો, તો જીવનમાં ક્યારેય દુ:ખ નહીં આવે...
200 ભક્તોની મર્યાદામાં યોજાશે શોભાયાત્રા
રાજકોટમાં છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે શોભાયાત્રા યોજવામાં આવે છે, ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા તહેવાર નિમિત્તે થોડી છૂટછાટ આપવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર પાસે જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં શોભાયાત્રા કાઢવા માટેની મંજુરી માંગવામાં આવી હતી, જ્યારે પોલીસ દ્વારા શોભાયાત્રા સમિતિ સાથે બેઠક યોજીને ચર્ચા બાદ શહેરમાં આ શોભા યાત્રા કાઢવાની મંજૂરી આપી છે. જો કે આ શોભાયાત્રાનો રૂટ ઘટાડવામાં આવ્યો છે અને ભક્તોની સંખ્યા પણ મર્યાદિત રાખવામાં આવી છે, તેમજ શહેરમાં તહેવાર નિમિત્તે ટ્રાફિક ન સર્જાય તે પ્રકારે આ યાત્રા યોજાશે.