- રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાથી વણસતી પરિસ્થિતિ
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવીને 50 વર્ષીય મહિલા સાજા થયા
- સારવાર મેળવ્યા બાદ દર્દીએ હોસ્પિટલના સ્ટાફ અને સુવિધાઓનો આભાર માન્યો
રાજકોટ: કોરોનાના 50 વર્ષીય મહિલા દર્દીનું સારવાર દરમિયાન ઓક્સિજન લેવલ ઘટીને 56 સુધી ગગડી ગયું હતું. તેમ છતા કોરોનાને માત આપીને સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલા મહિલા દર્દીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની સુવિધાઓ તેમજ તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.
સાવચેતી રાખી હોવા છતા કોરોનાની ચપેટમાં આવી ગઈ: તરૂબેન પીઠડિયા
કોરોનાને માત આપનારા 50 વર્ષીય તરૂબેન રમેશભાઇ પીઠડિયાએ જણાવ્યું હતું કે, ‘‘છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીથી બચવા અમે દેશી ઓસડિયા, ગરમ પાણી, ઉકાળા વગેરેનું નિયમિત રીતે સેવન કરતાં હતા. આમ તો અમાર ઘરના ચાર સભ્યોમાંથી કોઇને પણ એકેય બિમારી જ નથી, તો પણ સાવચેતી રાખી હોવા છતા હું કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી. સારવાર દરમિયાન ઓકિસજનનું લેવલ ઘટીને 56 થઇ ગયું હતું. જેથી પરિવારજનોએ તાત્કાલિક મને સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાંની શ્રેષ્ઠ સારવારે 2 દિવસમાં જ ઓકિસજન લેવલ ઠીક કરી દીધુ હતું અને પછીના 4 દિવસ મને કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાંથી હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પાછી ફરી છું.’’