રાજકોટઃ બે દિવસ અગાઉ ટાન્ઝાનીયાથી મુંબઈ આવેલી ફ્લાઇટમાં મહોમ્મદ દશનિસ બુખારી નામનો નાગરિક એરપોર્ટથી સીધો રાજકોટ જ આવ્યો હતો. જો કે આ મામલે મુંબઈ એરપોર્ટ પ્રશાસનને ફ્લાઇટ રાજકોટ આવવા માટે રવાના થયા બાદ જાણ થઈ હતી. જેને લઈને મુંબઈ એરપોર્ટ દ્વારા રાજકોટ એરપોર્ટને જાણ કરવામાં આવી હતી.
મુંબઇથી સ્ક્રીનિંગ થયા વગર રાજકોટ પહોંચેલો વિદેશી નાગરિક ઝડપાયો - લોકડાઉન સમાનચાર
કોરોના મહામારી દરમિયાન રાખવામાં આવતી સાવચેતીઓ વચ્ચે પણ ટાન્ઝાનીયાથી મુંબઈ આવેલો નાગરિક એરપોર્ટ પર થતા સ્ક્રીનિંગ વગર જ રાજકોટ પહોંચી ગયો હતો. જેથી જિલ્લા વહિવટી તંત્ર હરકતમાં આવ્યુ હતુ.
જો કે, આ વિદેશી નાગરિક રાજકોટ એરપોર્ટથી ક્યાંક બીજે જાય તે પહેલા જ તેને એરપોર્ટ પ્રશાસન દ્વારા રોકવામાં આવ્યો હતો. જે દરમિયાન વિદેશી નાગરિક દ્વારા ક્વોરેન્ટાઇન કરવા મામલે જિલ્લા સ્વાસ્થય વિભાગ અને એરપોર્ટ પ્રશાસન સાથે રકઝક પણ કરવામાં આવી હતી. જો કે એરપોર્ટ પર સીઆઈએફએફના જવાનોએ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વિદેશી નાગરિકના સસરા જામનગર અને તેના પિતા જૂનાગઢમાં રહે છે તેમજ આ વિદેશી નાગરિકને ભરૂચ ખાતે ક્વોરેન્ટાઈન થવાનું હતું પરંતુ તે રાજકોટ આવ્યો હોવાથી ઘણા ગંભીર પ્રશ્નો સર્જાયા હતા. આ મામલે જીલ્લા કલેક્ટરે જણાવ્યા મુજબ, આ વિદેશી નાગરિકને ભરૂચ ખાતે ક્વોરેન્ટાઈન થવાનો સરકારી આદેશ હતો છતાં રાજકોટ આવ્યો હોવાથી તેને અહીં જ કવોરેન્ટાઈન કરવામાં આવ્યો છે તેમજ આ મામલે સરકારને પણ જાણ કરવામાં આવશે.