- રાજ્યમાં બુધવારથી ટેકાની ભાવે મગફળીની કરાશે ખરીદી
- રાજકોટમાં 94 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
- જિલ્લાના 11 તાલુકાના 22 સ્થળોએ ખરીદી કરાશે
રાજકોટઃ રાજયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 94 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેને લઈને જિલ્લામાં ગત વર્ષ કરતા 15 હજાર વધુ ખેડૂતોએ ચાલુ વર્ષે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાના ભાવે મગફળી ખરીદીના રજિસ્ટ્રેશનના માત્ર 6 દિવસમાં જ જિલ્લાના 50 હજાર કરતા વધુ ખેડૂતોઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરવી દીધું હતું. જો કે, જિલ્લામાં 1 લાખ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે તેવી શક્યતાઓ હતી.
90 દિવસ સુધી મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલશે
જિલ્લામાં 11 તાલુકાના 22 સ્થળોએ બુધવારથી ટેકના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. જેને લઈને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ મગફળીનો જથ્થો રાખવા માટે 150 ગોડાઉન પણ ભાડે રાખવામાં આવ્યા છે. આ ગોડાઉનમાં CCTV કેમેરાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સાથે જ ખરીદી કેન્દ્ર પર પણ CCTV કેમેરાથી સત્તત મોનીટરીંગ કરવામાં આવશે. આગામી 90 દિવસ સુધી મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલશે, જેથી જો જરૂર જણાય તો વધારે ગોડાઉન પણ ભાડે રાખવાની તંત્રએ તૈયારીઓ દર્શાવી છે.