- રાજકોટમાં 5 માસના બાળકનું કોરોનાથી મોત
- બાળકના પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવશે
- શહેરમાં ડોર ટુ ડોર સર્વે કરવા કમિશ્નરનો નિર્ણય
રાજકોટઃદેશમાં હજુ કોરોના મહામારી યથાવત છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે રાજકોટમાં શનિવારે 5 માસના બાળકનું કોરોનાના કારણે મોત થયું છે. રાજકોટમાં 5 માસના બાળકનું કોરોનાના કારણે મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ બાળકને 19 ઓગસ્ટના રોજ સિવિલ હોસ્પિટલમાં આવેલા પેડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે આજે શનિવારે સવારે 5 વાગ્યાની આસપાસ તેનું સારવાર દરમિયાન મોત થયું છે. જેને લઈને પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો:Corona Update : 24 કલાકમાં 34 હજાર નવા કેસ, 375 દર્દીઓના મોત
બાળકને ધોરાજીથી લાગ્યો ચેપ
2 દિવસ પહેલા જ ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં આવેલા બાળકોના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી, જ્યારે આજે વહેલી સવારે તેનું મોત નિપજ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ બાળકને ધોરાજી ખાતેથી કોરોનાનો ચેપ લાગ્યો હતો. હાલ મનપાની ટિમ આ તપાસ કરવામાં લાગી છે, જ્યારે બાળકના પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 20 થી પણ ઓછા કેસ, 14 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
શહેરમાં ડોર ટુ ડોર સર્વે કરાશે: મનપા કમિશ્નર
રાજકોટમાં કોરોનાના કારણે માત્ર 5 મહિનાના બાળકનું મોત થયું છે. આ અંગે મહાનગરપાલિકાના કમિશ્નર અમિત આરોરાએ જણાવ્યું હતું કે, શહેરના કોઠારીયા વિસ્તારનો આ બનાવ છે. જેને લઈને વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે. જ્યારે બાળકોના પરિવારજનોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે, જ્યારે જરૂર જણાય તો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં હજુ 3 બાળકો શંકાસ્પદ જણાઈ રહ્યા છે.