- રાજકોટમાં 44 બાળકોને અપાશે યોજનાનો લાભ
- કોરોનામાં જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા હોય તેમને સહાય કરાશે
- આવક મર્યાદા ધ્યાનમાં લીધા વિના દર મહિને રૂપિયા 4000ની સહાય કરાશે
રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોનાના સમયમાં અનાથ નિરાધાર થયેલા બાળકોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવી આવા બાળકોને આર્થિક આધાર, અભ્યાસ વગેરેમાં સહાયરૂપ થવા તાજેતરમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારની આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં 44 બાળકોને આ યોજનાનો લાભ અપાશે.
44 બાળકો માટે મુખ્યમંત્રી સહાય મંજૂર
રાજકોટ જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની અમલવારી થાય અને પાત્રતા ધરાવતા બાળકોને સહાય મળે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી -બાળ સુરક્ષા એકમ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટના જિલ્લા સમાજ સુરક્ષા -બાળ સુરક્ષા એકમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કોરોના કાળમાં અનાથ થયેલા 44 બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે સહાય મંજૂર કરવામાં આવી છે.
દર મહિને પ્રત્યેક બાળક રૂપિયા 4000 અપાશે
રાજકોટ જિલ્લામાં આ પ્રકારના પરિવારોનો સર્વે કરી સંવેદનાપૂર્વક કામગીરી ટૂંકા ગાળામાં કરવામાં આવી છે. બાળ સ્વરાજ પોર્ટલ પર રાજકોટ ખાતે અનાથ બાળકોમાં 0થી 5 વર્ષના ત્રણ બાળકો, 6થી 10 વર્ષના 11 અને 11થી 18 વર્ષ સુધીના 30 બાળકો મળી કુલ 44 બાળકોની એન્ટ્રી કરવામાં આવી છે. 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમના માતા-પિતા બન્નેેનું કોરોનાના સમયમાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા વિના દર મહિને પ્રત્યેક બાળકને રૂપિયા 4000 અપાશે.
21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઇ દર મહિને રૂપિયા 6000 સહાય
જે બાળકોએ 18 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ અભ્યાસ ચાલુ હશે. તેવા બાળકને 21 વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ દર મહિને રૂપિયા 6000 સહાય અપાશે. આ ઉપરાંત નિયમ અનુસાર શિષ્યવૃતિ, વિદેશ અભ્યાસની લોન, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન તેમજ અનાજ વિતરણ સહિતના લાભો પણ સંબંધિત વિભાગો દ્વારા અપાશે.