રાજકોટઃ શહેરમાં કોરોનાના 95 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. અગાઉ કોરોનાના પોઝિટિવ કેસ ઓછા હોવાના કારણે રાજકોટ શહેરમાં ઇન્ડસ્ટ્રીઝ ઝોન શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલ કારખાના શરૂ રાખવા માટે સરકાર દ્વારા નિયત સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કારખાના સવારના 8 વાગ્યેથી સાંજના 6 વાગ્યા સુધી જ શરૂ રાખવાની છૂટ આપવામાં આવી છે. જેને લઈને મોટાભાગના ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય સરકાર પાસે જે મોટા અને જરૂરિયાત વાળા ઉદ્યોગો છે તેને 24 કલાક માટે ચાલુ રાખવાની માગ કરવામાં આવી છે.
આ અંગે Etv ભારત દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અગાઉ રાજકોટ શહેરની બહાર આવેલ નાના ઉદ્યોગોને શરૂ કરવાની માગ રાજ્યના મુખ્યપ્રધાનને કરવામાં આવી હતી. જેને રાજ્ય સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવાની છૂટ આપવામાં આવતા અંદાજીત 17 હજાર કરતા વધુ નાના મોટા કારખાનાઓ શરૂ થયા હતા.