- રાજકોટમાં 4 નાના બાળકોએ કોરોનાને હરાવ્યો
- આ 4 બાળકો અન્ય બીમારી પણ ધરાવતા હતા
- 8 મહિનાની રિયાંશીએ કોરોનાને આપી મ્હાત
રાજકોટઃ વર્તમાન સમયમાં જેને પણ કોરોના થાય તેમનામાં આત્મવિશ્વાસની અછત જોવા મળે છે, પરંતુ રાજકોટના 4 નાના બાળકોએ કોરોનાને મ્હાત આપી હિંમતનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકોટમાં રહેતી 8 મહિનાની રિયાંશી નામની બાળકીને અન્ય બીમારી હોવાની સાથે કોરોના થયો હતો, પરંતુ તેણે હિંમત સાથે કોરોનાને હરાવ્યો હતો. તેનામાં માત્ર 5 ટકા જ હિમોગ્લોબિન હતું. રિયાંશી જ્યારે સારવાર માટે આવી ત્યારે તે અત્યંત હાંફતી હતી અને સખત તાવ હતો. કોરોના થતા તેના ફેફસાં પણ 30 ટકા જેટલા ખરાબ હતા. બાળકીના માતા-પિતાની એક જ રજૂઆત હતી કે, બાળકીને દાખલ તો કરશોને. કારણ કે, 3 ખાનગી હોસ્પિટલમાં તેને વધુ સારવાર આપવાની ના પાડી હતી અને કોઈ પણ હોસ્પિટલમાં બેડ ન મળતા માતાપિતા પણ સારવાર માટે દોડી રહ્યા હતા. સારવાર દરમિયાન 2 વખત બાટલા પણ ચડાવવામાં આવ્યા હતા. 6થી 7 દિવસ સારવાર લીધા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. પરિવારને એક ડર એ પણ હતો કે બાળકી બચશે કે નહીં.
આ પણ વાંચોઃઆણંદના જયાબેનને અનેક બીમારીઓ હોવા છતાં કોરોનાને હરાવ્યો, જાણો મક્કમ મનોબળના જીવતા ઉદાહરણ વિશે...
3 વર્ષના બાળકે કિડનીની બીમારી સાથે કોરોનાને હરાવ્યો
રાજકોટમાં આવો જ બીજો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં 3 વર્ષના રાકીબને કોરોનાની સાથે સાથે કિડનીની પણ બીમારી છે, પરંતુ તેણે પણ કોરોનાને હરાવ્યો હતો. નેફ્રોટિક સિન્ડ્રોમ એટલે કિડનીની બીમારીથી પીડાતા રાકીબને સતત તાવ, શરીર પર સોજા અને સતત ઊલટી થતી હતી. કિડનીની બીમારી જ્યારે બાળકને થાય ત્યારે તેની ઈમ્યુનિટી ખૂબ ઝડપથી ઘટી જાય છે. આ બાળકને કોરોના થતા ઘણી વિપરીત અસર પડી હતી ત્યારે બાળક 10 દિવસના અંતે આ બધી બીમારીઓની સાથે કોરોનાને પણ મ્હાત આપી છે.