ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓ, ઇન્જેક્શન આપ્યા બાદ 25 દર્દીઓને આડઅસર

રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના OPD બિલ્ડીંગના છઠ્ઠા માળે સારવાર મેળવી રહેલા 25 જેટલા દર્દીઓને દવાઓ તેમજ ઈન્જેક્શન આપ્યા બાદ તેમને આડઅસર થતા હાહાકાર મચી જવા પામ્યો હતો. મોટાભાગના દર્દીઓને સામાન્ય તાવ અને ઠંડી લાગવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક એન્ટીડોટ આપવામાં આવ્યા હતા. હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટે આ ઘટના અંગે તપાસ કરી સખત કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓ, ઇન્જેક્શન આપ્યા બાદ 25 દર્દીઓને આડઅસર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓ, ઇન્જેક્શન આપ્યા બાદ 25 દર્દીઓને આડઅસર

By

Published : Jul 12, 2021, 12:21 AM IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં
  • દર્દીઓને દવાઓ અને ઈન્જેક્શન આપ્યા બાદ આડઅસર
  • હોસ્પિટલ તંત્ર દોડતું થયું, તાત્કાલિક તમામની સારવાર કરાઈ

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં આવેલા OPD બિલ્ડીંગના છઠ્ઠા માળે દાખલ દર્દીઓને હોસ્પિટલ સ્ટાફ દ્વારા દવાઓ અને ઈન્જેક્શન આપવામાં આવતાં તેમાં સામાન્ય તાવ અને ઠંડી લાગવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ સામે આવ્યું હતું કે દર્દીઓને દવાઓ અને ઇન્જેક્શનનું રિએક્શન આવ્યું હતું. જેને લઇને સિવિલ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. તેમજ આ તમામ દર્દીઓને રિએક્શન દૂર કરવા માટેની દવાઓ આપવામાં આવી હતી. જોકે હાલ તો એવો દાવો કરવામાં આવ્યો છે કે, તમામ દર્દીઓને તબિયત સુધારા ઉપર છે પરંતુ આ ગંભીર ભૂલને કારણે મોટાભાગના દર્દીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓ, ઇન્જેક્શન આપ્યા બાદ 25 દર્દીઓને આડઅસર

25 જેટલા દર્દીઓને આવ્યું રિએક્શન

રાજકોટ સિવિલ હોસ્પિટલની OPD બિલ્ડિંગમાં છઠ્ઠા માળે અનેક દર્દીઓ દાખલ હતા. જેમાં ત્રણ વર્ષના બાળકથી માંડીને વૃદ્ધોનો સમાવેશ પણ થાય છે. આ તમામની અલગ-અલગ સારવાર શરૂ હતી. જે દરમિયાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા સવારના 8 વાગ્યાના આસપાસ તેમને દવાઓ અને ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. જે દવાઓ અને ઈન્જેક્શનની આડ અસર જોવા મળી હતી. દાખલ દર્દીઓમાંથી 25 જેટલા દર્દીઓને સામાન્ય તાવ અને ઠંડી લાગવાની અસર વર્તાઈ હતી. જેને લઇને હોસ્પિટલ તંત્રમાં થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. જ્યારે દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક રિએક્શન દૂર કરવાની દવાઓ આપી

સિવિલ હોસ્પિટલમાં 25 જેટલા દર્દીઓને રિએક્શન આવવાની ઘટના સામે જ આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સમયસર આ 25 જેટલા દર્દીઓને રિએક્શન દૂર કરવા માટેના એન્ટીડોટ સહિતની સારવાર આપવામાં આવી હતી. જેના કારણે પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. જ્યારે હાલ તમામ દર્દીઓ ભયમુક્ત જણાઈ રહ્યા છે, પરંતુ હોસ્પિટલ તંત્રની આ ગંભીર ભૂલના કારણે દર્દીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. જ્યારે સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

તપાસ બાદ સખત કાર્યવાહી કરાશે: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીને લઇને હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જે દર્દીઓને દવાઓ અને ઈન્જેક્શનની આડઅસર થઈ છે તેમને તાત્કાલિક એન્ટી ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી મામલે હાલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તેમજ તપાસ બાદ જે રિપોર્ટ આવે તેના આધારે અમે સખત કાર્યવાહી કરીશું.

ABOUT THE AUTHOR

...view details