- રાજકોટમાં 1,400 લિટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયું
- પોલીસે ભક્તિનગરમાંથી બાયોડીઝલનો જથ્થો પકડી પાડ્યો
- મોડી રાત્રે પોલીસે દરોડા પાડી 84,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો
રાજકોટઃ શહેરમાં ભક્તિનગર વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે 1,400 લિટર ગેરકાયદેસર બાયોડીઝલ (Biodiesel) ઝડપાયું હતું. ભક્તિનગર પોલીસે ગઈકાલે મોડી રાત્રે બાતમીના આધારે અટિકા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં (Attica Industries area) દરોડા પાડ્યા હતા. તે દરમિયાન આ વિસ્તારમાં આવેલી શેરી નંબર-7ના સત્યનારાયણ બોડી વર્ક્સ કારખાનામાં અંદાજિત 1,400 લિટર ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આ બાયોડીઝલની અંદાજિત કિંમત 84,000 રૂપિયા થાય છે. જ્યારે પોલીસે ઘટના સ્થળેથી એક શખ્સની પણ ધરપકડ કરી છે.
આ પણ વાંચો-ગેરકાયદે બાયોડિઝલ: રાજકોટ રેન્જ દ્વારા 1100 જેટલા સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા
પોલીસે એક આરોપીની કરી ધરપકડ
ભક્તિનગર પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જે દરોડા દરમિયાન ઘટના સ્થળેથી મળી આવ્યો હતો. બિજલ મોહનભાઇ સોનપરા નામનો શખ્સ મૂળ સાણંદ તાલુકાના બકરાણા ગામનો છે. જ્યારે આ સત્યનારાયણ બોડી વર્ક્સ નામનું કારખાનું કનકસિંહ વાઘેલાનું છે, જે ભાજપ કોર્પોરેટરના ભાઈ હોવાની ચર્ચા છે. જ્યારે આ મામલે ભક્તિનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.