- બાળકોના મૌલિક અધિકારો અને શિક્ષણને લઈને આજના દિવસની કરાય છે ઉજવણી
- 2002ની 12મી જૂનથી બાળમજૂરી(Child Labour) વિરોધી દિવસની થઈ હતી શરુઆત
- જૂનાગઢમાં આજે પણ બાળકો મજૂરી કરતાં જોવા મળી રહ્યાં છે
જૂનાગઢઃ આજે 12 જૂનના દિવસે બાળમજૂરી (Child Labour ) નિષેધ દિવસ ( World Day Against Child Labour ) મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે (Junagadh ) જૂનાગઢમાં કેટલાક બાળકો મજૂરી કરતાં નજરે ચડયાં હતાં. આ દિવસની ઉજવણીને ચોક્કસપણે ઝાંખપ લગાડતાં દ્રશ્યો આજે કેમેરામાં કેદ થયાં છે.
બાળમજૂરો અને બાળમજૂરીનું ( Child Labour)પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.
આજે સમગ્ર વિશ્વમાં બાળમજૂરી નિષેધ દિવસની ( World Day Against Child Labour ) ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 2002ની 12 મી જૂનના દિવસે બાળકોને તેમના મૌલિક અધિકારો પ્રાપ્ત થાય અને પ્રત્યેક બાળક શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા ઉદ્દેશ સાથે બાળમજૂરી વિરોધી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પાછલા કેટલાક વર્ષોમાં બાળમજૂરઅને બાળમજૂરીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આ સમગ્ર વિશ્વ માટે મનોમંથનનો વિષય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશ માટે પણ ચિંતાજનક રીતે વધી રહેલું બાળમજૂરીનું પ્રમાણ આવનારા દિવસોમાં ખૂબ જ માઠાં પરિણામો તરફ લઈ જનારું બની શકે છે. આવા ચિંતાજનક સમયની વચ્ચે જૂનાગઢમાં (Junagadh ) આજે પણ બાળકો બાળમજૂરી ( Child Labour ) કરતા કેમેરામાં કેદ થયાં છે.
કથળતી જતી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ જવાબદાર
વિશ્વના કોઇ પણ દેશ માટે બાળમજૂર અને બાળમજૂરીનું (Child Labour ) પ્રમાણ શરમજનક માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ભારત જેવા દેશમાં બાળમજૂર અને મજૂરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે તેની પાછળ સામાજિક-આર્થિક અને શૈક્ષણિક નબળાઈઓ કારણભૂત માનવામાં આવી રહી છે. સામાજિક રીતે પછાત વર્ગમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. આવા પરિવારોમાં બાળકો પણ વધુ જોવા મળ્યાં છે જેની સામે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે મોટાભાગના બાળકો બાળપણથી જ બાળમજૂરી તરફ પ્રેરાઈ જતાં હોય છે. આવા બાળકોના માતાપિતાઓ પણ પોતાના સંતાનોને બાળમજૂરી કરવા તરફ જાણે કે અજાણે ધકેલી રહ્યાં છે. મોટો પરિવાર હોવાને કારણે પરિવારનું ભરણપોષણ પણ એટલું જ અગત્યનું પાસું માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક માતાપિતા પોતાના બાળકોની સારસંભાળ અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી ન બને તે માટે પોતાના બાળકોને ઈરાદાપૂર્વક કે અનિચ્છાએ પણ બાળમજૂરી તરફ ધકેલી દે છે.