જૂનાગઢઃ 25 સપ્ટેમ્બર 1990ના દિવસે સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા જૂનાગઢ પહોંચી હતી (તે સમયમાં સોમનાથનો સમાવેશ જૂનાગઢ જિલ્લામાં હતો). શહેરમાં આજે પણ તેમની યાદને લઈને સભા અને યાત્રામાં સામેલ કાર્યકરો દ્વારા તેમના મીઠા સ્મરણો વાગોળવામાં આવી રહ્યા છે. જ્યારે પાંચમી ઓગસ્ટના દિવસે રામ મંદિરનો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે, ત્યારે જે તે સમયના માહોલને આજે વાગોળીને કાર્યકરો દ્વારા તેમની કારસેવાને રામ મંદિરના રૂપમાં જે વિરામ મળી રહ્યો છે, તેને લઈને ભારે ખુશી વ્યક્ત કરી હતી.
અયોધ્યા રામ રથયાત્રાના 30 વર્ષ બાદ યાત્રાના કાર્યકરો વાગોળી રહ્યા છે જૂનાગઢ સાથેના મીઠા સ્મરણો...
સોમનાથથી અયોધ્યા માટે યોજાયેલી રામ રથયાત્રા સાથે જૂનાગઢ શહેરના મીઠા સ્મરણો પણ જોડાયેલા છે. જૂનાગઢ આવેલી રામ રથયાત્રાની જાહેર સભા શહેરની એજી શાળામાં યોજવામાં આવી હતી. જેના સ્મરણોને આજે 30 વર્ષ બાદ સભામાં હાજર રહેલા કાર્યકરો વાગોળી રહ્યા છે.
25 સપ્ટેમ્બર 1990ના દિવસે જૂનાગઢમાં યોજવામાં આવેલી આ સભામાં લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરસિંહ પઢિયાર, હવેલીના કિશોરચંદ્ર બાવા શ્રી, આનંદીબેન પટેલ, હેમાબેન આચાર્ય સહિતના અગ્રણીઓએ જૂનાગઢની સભામાં રામમંદિરનો જયઘોષ કર્યો હતો.
આ જયઘોષ આગામી 5 ઓગસ્ટના રોજ ફળીભૂત થવા જઈ રહ્યો છે. આ રથયાત્રા બાદ અડવાણી અને મોદી સહિત તમામ અગ્રણીઓ અને કાર્યકરોએ ભવનાથમાં આવેલા ધાર્મિક દેવાલયોની મુલાકાત અને પૂજન કરી યાત્રાની સફળતા અને રામ મંદિરની પ્રતિજ્ઞા પૂર્ણ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.