- જૂનાગઢમાં મૃતક શિક્ષકના પેન્શન સહિતના આર્થિક લાભ અટકાવી દેવાયા
- કોર્ટના આદેશનું પાલન ન થતા શિક્ષણ વિભાગના વાહનો જપ્ત કરાયા
- આગામી દિવસોમાં મૃતક શિક્ષક આરબ અબાને તમામ લાભ આપવા તાકીદ
- બિનતાલીમી શિક્ષક આરબ અબાના પેન્શન સહિત આર્થિક લાભો ચૂકવવા કોર્ટનો આદેશ
- બિનતાલીમી મૃતક શિક્ષકે પેન્શન સહિત આર્થિક લાભ મેળવવા કોર્ટમાં અરજી કરી હતી
જૂનાગઢઃ શહેરના બિનતાલીમી પ્રાથમિક શિક્ષક આરબ અબાના પેન્શન સહિત અન્ય આર્થિક લાભો અટકાવી દેવાયા હતા. ત્યારે જૂનાગઢના શિક્ષક આરબ અબાએ રાજ્યની વડી અદાલતમાં દાદ માગી હતી. વર્ષ 1975માં આરબ અબા જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં બિનતાલીમી શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યારબાદ બિનતાલીમી શિક્ષકોને તાલીમી શિક્ષકો ગણવા કે નહીં તેને લઈને રાજ્યની વડી અદાલતમાં દાદ માગવામાં આવી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે પગાર, ભથ્થા અને પેન્શન સહિત તમામ લાભો બિનતાલીમી શિક્ષકોને આપવાનો ઠરાવ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં બિન તાલીમી શિક્ષક આરબ અબાને પેન્શન સહિતના આર્થિક લાભો ન મળતા તેમણે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા, જેમાં શિક્ષક આરબ અબાને તમામ લાભો આપવા કોર્ટે શિક્ષણ વિભાગ જૂનાગઢને આદેશ કર્યો હતો.
કોર્ટના આદેશનો અમલ ન થતા શિક્ષણ વિભાગના મિલકત જપ્તીનું વોરન્ટ જૂનાગઢ કોર્ટે જાહેર કર્યું
વર્ષ 2018માં કોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશ પછી પણ પેન્શન સહિત આર્થિક લાભો બિનતાલીમી શિક્ષક આરબ અબાને નહતા મળ્યા. ત્યારે તેમણે કોર્ટમાં ફરી એક વખત દાદ માગી હતી. તે દરમિયાન તેમનું અવસાન થયું હતું. ત્યારે જૂનાગઢ કોર્ટે મૃતક બિનતાલીમી શિક્ષક આરબ અબાને શિક્ષણ વિભાગ 14 લાખ રૂપિયાની આસપાસ આર્થિક લાભો આપે તેમ જ તેમને તાલીમી શિક્ષક ગણીને પેન્શન પણ આપે તેવો આદેશ કર્યો હતો, પરંતુ શિક્ષણ વિભાગે કોર્ટના આદેશનો આજ દિન સુધી કોઈ અમલ નહીં કરતા જૂનાગઢ કોર્ટે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મિલકતને જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. તે મુજબ કોર્ટના અધિકારીઓ દ્વારા શિક્ષણ વિભાગની કાર અને બસમાં ચાલતી પ્રયોગશાળાને સીલ કરીને ચડત રકમ મૃતક આરબ અબાના પરિવારને મળે તે માટેની કોર્ટની કાર્યવાહી શરૂ કરી છે.