- જૂનાગઢમાં બર્ડ ફ્લૂના બે કેસ સામે આવતા તમામ જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું
- માણાવદરમાં પક્ષીઓના મૃતદેહ બાદ તેમાંથી બે પક્ષીને બર્ડ ફ્લૂ હોવાનું ખૂલ્યું
- માંગરોળમાં સોમનાથ-દ્વારકા હાઈવે પર આવેલી હોટેલ પાસે બની હતી ઘટના
જૂનાગઢમાં બર્ડ ફ્લૂના બે કેસ, રાજ્યના અન્ય જિલ્લાઓમાં એલર્ટ જાહેર જૂનાગઢઃ જૂનાગઢમાં બર્ડ ફ્લૂના બે કેસ આવતા ચકચાર ફેલાઈ છે. રાજ્યમાં બર્ડ ફ્લૂના કારણે તમામ જિલ્લામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે માંગરોળ તાલુકામાં કાગડાના મોત થયા છે. માણાવદરમાં પક્ષીઓના મૃતદેહ બાદ તેમાંથી બે પક્ષીઓને બર્ડ ફ્લૂ હોવાનું ખૂલ્યું હતું. આથી ગુજરાતમાં ફ્લૂનો પગપેસારો થયો હોવાનું સામે આવ્યું છે. હવે તંત્ર હરકતમાં આવી ગયું છે અને બર્ડ ફ્લૂની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારે માંગરોળ તાલુકાના લોએજ ગામ પાસે 70થી 80 કાગડાઓના મૃતદેહ મળી આવ્યા છે.
હોટેલના માલિકે વન વિભાગને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી
માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય રામ નંદાણીયાની સોમનાથ-દ્વારકા હાઇવે ઉપર આવેલી હોટેલ પાસે આ ઘટના બની છે. ગઈકાલ મોડી સાંજે આકાશમાંથી ટપોટપ પક્ષીઓ પડતા જોવા મળ્યા હતા. આ અંગે રામ નંદાણીયાએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ ઘટનાસ્થળે પહોંચી 10 પક્ષીઓના મૃતદેહ લઈને ચાલ્યા ગયા હતા. બાકીના પક્ષીઓના મૃતદેહો ત્યાં જ રાખી મૂકવામાં આવ્યા હતા તેનો કોઈ હજી સુધી નિકાલ કરવામાં આવ્યા નથી તેવું પણ જાણવા મળે છે. પક્ષીઓમાં બર્ડ ફ્લૂ છે કે, કેમ તે અંગે હજુ સુધી માહિતી મળી નથી, પરંતુ તમામ પક્ષીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવા જોઈએ તે અંગે તાત્કાલિક ઘટતું કરવા માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય માગણી કરી છે.
વન વિભાગનો સ્ટાફ કોઈ કામગીરી વગર રવાના થઈ ગયો હતો
આ મૃતદેહો અહીં દાટી દેવાની વાત કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગનો સ્ટાફ કોઈ કામગીરી કર્યા વગર રવાના થઈ ગયો હતો. આવી રીતે બર્ડ ફ્લૂનું સંક્રમણ એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં પ્રસરે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.