જૂનાગઢઃ આજે ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ છે. વર્ષ 1984ને ૧૫મી માર્ચે ગ્રાહક સુરક્ષાના કાયદાને કેન્દ્રીય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારથી ૧૫મી માર્ચે ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસની ઉજવણી થઈ રહી છે. આ કાયદાથી ગ્રાહકોને ખૂબ મોટું રક્ષણ મળી રહ્યું છે.
આજે ગ્રાહક સુરક્ષા દિવસ, 1984 બાદ લાવવામાં આવેલો આ કાયદો ગ્રાહકો માટે આશીર્વાદ સમાન કંપનીઓ કે કોઈ વ્યક્તિ દ્વારા કોઈપણ ગ્રાહકને છેતરવાનો પ્રયાસ કરવામાં આવે તો ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા છેતરાયેલા ગ્રાહકને વળતર ચૂકવવાની દિશામાં સુનાવણી કરવામાં આવે છે. અને જો વસ્તુ પૂરી પાડનાર વ્યક્તિ કે કંપની તેના માપદંડમાં ઉણી ઉતરે તો ગ્રાહકને ગ્રાહક સુરક્ષા ફોરમ વળતર પણ અપાવી રહ્યું છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં જોવા મળ્યો હતો.
રતિભાઇ સુરેજા નામની વ્યક્તિએ ઓન લાઇન હર્બલ પ્રોડક્ટ્સનું વેચાણ કરતી કંપની દ્વારા તેમને છેતરવામાં આવ્યા હોવાની ફરિયાદ જુનાગઢ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કરી છે. આ કંપની દ્વારા રતિભાઈને એજન્સી આપવાના બહાને 20,000 જેટલી રકમ ચૂકવવાની માંગ કરાઈ હતી. જેને રતિભાઈએ ચુકવી પણ આપી હતી પરંતુ રકમ મળી જતાં ઓનલાઇન હર્બલ કંપની ઓફ લાઈન થઈ ગઈ અને તેનું અસ્તિત્વ આજે ક્યાં છે તેને શોધવા માટે રતિભાઈએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં અરજી કરી છે.
આગામી દિવસોમાં આ કેસ પર સુનાવણી શરૂ થશે અને છેતરાયેલા ગ્રાહક રતિભાઈને ગ્રાહક સુરક્ષા ફોરમ વળતર અપાવશે તેવો આશાવાદ છેતરાયેલા ગ્રાહક રતિભાઈ રાખી રહ્યાં છે.