- આજે વિશ્વ બાળ અધિકાર દિવસની ઉજવણી વચ્ચે ચિંતાજનક દ્રશ્યો
- જૂનાગઢમાં ગંભીર અને ચિંતા ઉપજાવે તેવા બાળ મજૂરોના દ્રશ્યો સામે આવ્યા
- સામાજિક આર્થિક અને પછાત વર્ગના બાળકો પોતાના અધિકારોને નેવે મૂકીને મજૂરી કરી રહ્યા છે
- બાળ મજૂરી પાછળ રોજગારીની કમી, ગરીબી અને નિરક્ષરતાને મુખ્ય માનવામાં આવે છે
જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વ બાળ અધિકાર દિવસ મનાવી રહ્યું છે, આજના દિવસે બાળકોને મળતા અધિકારો તેમને મળે અને બાળકો તેમના અધિકારો પ્રત્યે જાગૃત બને તેને લઈને આજના દિવસની ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આજના દિવસે જૂનાગઢમાં ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના ગરીબ, મજૂર, નિરક્ષર અને આર્થિક પછાત માતાપિતાના સંતાનો આજે મજૂરીકામ કરતા જોવા મળી રહ્યા છે.
પરિવારને આર્થિક મદદ કરી શકે તેવા ઇરાદા સાથે મજૂરી કામ કરતા જોવા મળ્યા
આજે બાળકો પોતાના તમામ અધિકારોને નેવે મૂકીને પોતાના પરિવારને આર્થિક મદદ કરી શકે તેવા ઇરાદા સાથે મજૂરી કામ કરતા જોવા મળી રહ્યા છે, જે ઉંમરે બાળકોને હાથમાં પેન અને બુક હોવી જોઈએ એ ઉંમરે આજે બાળકો હાથમાં કચરાની થેલી લઈને પોતાના પરિવારને મદદ કરવાના ઈરાદે મજૂરીકામ કરતા જોવા મળી રહ્યા હતા.