- આજે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ જયંતીની થઇ રહી છે ઉજવણી
- કારતક સુદ કૃષ્ણપક્ષની તેરસના દિવસે હસ્ત નક્ષત્રમાં ભગવાન ધન્વંતરીનો થયો હતો પ્રાગટ્ય
- આજના દિવસે ભગવાન ધન્વંતરિના દર્શન કરવાનું છે ધાર્મિક મહત્વ
જૂનાગઢ: આજે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. પ્રાચીન સમયથી ભગવાન ધન્વંતરિ (Dhanvantari) ને તબીબો તેમના દેવ તરીકે પૂજતા આવ્યા છે. જિલ્લાના માળીયા તાલુકાના ધણેજ ગામ નજીક વ્રજમી નદીના કિનારે ભગવાન ધન્વંતરિનું સમાધિ સ્થળ આવેલું છે. અહીં મોટા ભાગના ભાવિકો ભગવાન ધન્વંતરિની સમાધિના ધનતેરસના દિવસે દર્શન કરીને તેમના પરિવાર પર ભગવાન ધન્વંતરિ સદાય કૃપા દૃષ્ટિ બનાવી રાખે અને તેમના પરિવારને બિમારી અને રોગોથી દુર રાખે તે માટે પ્રાર્થના અને પૂજા કરતા હોય છે. કહેવાય છે કે ભગવાન ધન્વંતરીનું મંદિર સૌરાષ્ટ્રમાં એક માત્ર ધણેજમાં હોવાને કારણે પણ અહીં વિશેષ લગાવ અને ખાસ કરીને ધનતેરસના દિવસે વિશેષ પૂજા અને દર્શનનું મહત્વ હોવાને કારણે પણ ભાવિકો ભગવાન ધન્વંતરીના દર્શન કરી ધનતેરસની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરે છે.
આ પણ વાંચો: ધનતેરસ પર કરો આ ખાસ કામ, મળશે તન-મન-ધનનું સુખ
અમૃત મંથન દરમિયાન અમૃત કુંભ સાથે ધન્વંતરિના પ્રાગટ્યની છે ધાર્મિક વાયકા
ભગવાન ધન્વંતરિના પૃથ્વી પર અવતરણને લઈને પણ ધાર્મિક માન્યતા જોવા મળે છે. જ્યારે દેવ અને દાનવો વચ્ચે અમૃત મંથનને લઈને યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે મંદરાચલ પર્વતનો રવૈયો અને વાસુકિ નાગનું નેતરું બનાવીને અમૃત મંથન માટે યુદ્ધ ચાલી રહ્યું હતું. જે દરમિયાન અમૃતના બારમા રત્ન તરીકે ભગવાન ધન્વંતરી બન્ને હાથમાં અમૃતકુંભ લઈને પ્રગટ થયા હતા. તેથી પણ ભગવાન ધન્વંતરિની વિશેષ ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ હોવાને કારણે પણ ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિના દર્શન અને પૂજનનો ખાસ મહત્વ માનવામાં આવે છે.