- સોમનાથ જબલપુર ટ્રેન ફરી એક વખત માર્ગમાં અધવચ્ચે પડી બંધ
- ટ્રેનનું પાવર એન્જિન બંધ પડી જતાં ટ્રેન માર્ગમાં અધવચ્ચે અટકી પડી
- ત્રણ કલાક સુધી પ્રવાસીઓ માર્ગમાં અધવચ્ચે અટવાઈ પડતા જોવા મળ્યો રોષ
જૂનાગઢઃ સોમનાથ થી જબલપુર જઈ રહેલી જબલપુર એક્સપ્રેસ રવિવારે જૂનાગઢના ફાટક નંબર 83 આગળ અચાનક પાવર એન્જીનમાં કોઈ ખરાબી આવી જતાં તે બંધ પડી હતી. જેને કારણે ટ્રેનને માર્ગ પર અટકાવી દેવામાં આવી હતી. જેથી પ્રવાસીઓેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
થોડા દિવસો પહેલા પણ આ ટ્રેન બંધ પડી હતી
સોમનાથથી રવાના થયા બાદ અગાઉ પણ પાવર એન્જીન વેરાવળ નજીકના આદ્રી સ્ટેશન પર અટકી પડ્યું હતું, ત્યારે પણ બે કલાક જેટલો સમય પ્રવાસીઓને બંધ ટ્રેનમાં પસાર કરવાની ફરજ પડી હતી, ત્યારે પખવાડિયા દરમિયાન બીજી વખત સોમનાથ જબલપુર ટ્રેનનું પાવર એન્જિન બંધ પડી જતા પ્રવાસીઓને ફરી એક વખત બંધ ટ્રેનમાં ત્રણ કલાક જેટલો સમય પસાર કરવા માટે મજબૂર બનવું પડ્યું હતું.
વારંવાર ટ્રેનના એન્જિનો બંધ પડી જતા પ્રવાસીઓને પડી રહી છે પારાવાર મુશ્કેલીઓ
ચાલુ ટ્રેનમાં પાવર એન્જિન બંધ પડી જતા પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કેટલાક પ્રવાસીઓ ટ્રેન મારફતે લાંબો પ્રવાસ કરતા હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ટ્રેનનું એન્જિન બંધ પડી જતાં તેઓનો આગળનો પ્રવાસ પણ ખૂબ જ દુવિઘા જનક અને કેટલાક કિસ્સામાં કષ્ટદાયક પણ બની રહે છે. કેટલાક પ્રવાસીઓએ ટિકિટ આગળની ટ્રેન માટે લીન્ક અપ કરેલી હોય છે, ત્યારે એન્જિન બંધ પડી જવાને કારણે બે થી ત્રણ કલાક મોડી ચાલતી ટ્રેન ક્રોસિંગના સમયે આગળના પ્રવાસ માટે લીંક અપ ટ્રેનના સમય મુજબ સ્ટેશન પર પહોંચતી નથી. જેને કારણે પ્રવાસીઓએ ટિકિટ લીધી હોવા છતાં શારીરિક અને માનસિક કષ્ટનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની ઘટના સોમનાથ જબલપુર ટ્રેનમાં છેલ્લા એક પખવાડિયામાં બીજી વખત જોવા મળી છે, ત્યારે પ્રવાસીઓ પણ એવી માંગ કરી રહ્યા છે કે ટ્રેનમાં પૂરતી ચકાસણી કરીને પાવર એન્જિન લગાવવામાં આવે તો આ પ્રકારની મુશ્કેલીમાંથી પ્રવાસીઓને રાહત મળી શકે છે.
સોમનાથ જબલપુર ટ્રેન જૂનાગઢ નજીક એન્જિન ફેઈલ થતા બંધ પડી