- સાસણ વન વિભાગે દીપડાને પહેરાવ્યું રેડિયો કોલર
- દીપડાને રેડિયો કોલર થી સુરક્ષિત કરીને જંગલ વિસ્તારમાં કર્યો મુક્ત
- રેડિયો કોલરની મદદથી ડેટા એકત્ર કરવાની વન વિભાગને થશે સુગમતા
જૂનાગઢ:સાસણ વન વિભાગે બુધવારે દીપડાને રેડિયો કોલરથી સુરક્ષિત કર્યો હતો. પ્રથમ તબક્કામાં 25 જેટલા સિંહોને રેડિયો કોલરથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. જેના ખૂબ જ સારા પરિણામો વન વિભાગને પ્રાપ્ત થતાં હવે ગીર અને તેની આસપાસમાં આવેલા વિસ્તારોમાં દીપડાને પણ રેડિયો કોલરથી સુરક્ષિત કરીને તેની ગતિવિધિ અને દિનચર્યા પર વન વિભાગની નજર ચોક્કસ જળવાઈ રહે તે હેતુથી બુધવારે એક દીપડાને રેડિયો કોલરથી સુરક્ષિત કરીને તેને તેના નૈસર્ગિક જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો છે.
સિંહ અને ગીધ બાદ દીપડાને પણ રેડિયો કોલરથી સુરક્ષિત કરાયો
પ્રથમ તબક્કામાં 25 જેટલા સિંહોને રેડિયો કોલરથી સુરક્ષિત કરાયા હતા. ત્યારબાદ સંકટગ્રસ્ત ગીધની પ્રજાતિને બચાવવા અને તેની દિનચર્યા તેમજ તેના વિસ્તારની ચોક્કસ માહિતી મેળવવા માટે વન વિભાગે 6 જેટલા ગીધોને રેડિયો કોલરથી સુરક્ષિત કર્યા છે. ત્યારે બુધવારે એક દીપડાને રેડિયો કોલરથી સુરક્ષિત કરીને તેની દિનચર્યા અને તેના વિસ્તાર તેમજ તેની હલન-ચલનને લઈને વન વિભાગને ડેટા એકત્ર કરવા માટે રેડિયો કોલર ખૂબ ઉપયોગી બનશે. આગામી દિવસોમાં આ રેડિયો કોલર મારફતે વન વિભાગને દીપડાની હલન-ચલન અને તેની ગતિવિધિઓના ડેટા ઉપલબ્ધ બનશે. જે દીપડાના સંશોધન અને તેની પ્રજાતિ વિશે ચોક્કસ માહિતી એકત્ર કરવા માટે ખુબ જ ઉપયોગી બનશે.