- ગીરપુર્વની દલખાણીયા રેન્જમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો
- દીપડાનું મોત અપ્રાકૃતિક હોવાના સંકેત, પુરાવાના આધારે વન વિભાગે એક વ્યક્તિની કરી અટકાયત
- દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વન વિભાગે હાથ ધરી તપાસ
જૂનાગઢ: ગીર પુર્વની દલખાણીયા રેન્જના કાંગસા વિસ્તારમાં આવેલા ગોવિંદપુર ગામના ખેતરમાં પાંચથી નવ વર્ષના એક દિપડાનો મૃતદેહ પડ્યો હતો. આ વાતની જાણ થતા વન વિભાગના અધિકારી અને કર્મચારીઓએ તાકિદે આસપાસના વિસ્તારનું સર્ચ ઓપરેશન હાથ ધરતા દીપડાનું મોત શંકાસ્પદ થયું હોવાની જાણ થઈ હતી. જે બાબતે વન વિભાગે ખેતરમાં કામ કરી રહેલા ભદ્રેશ ધામેલીયા નામના વ્યક્તિની અટકાયત કરીને દિપડાના મોતને લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે.
ગોવિંદપુર રેવન્યુ વિસ્તારમાં દીપડાનું અપ્રાકૃતિક મોત દીપડાનું મોત કાંટાવાળા તારમાં આવી જવાને કારણે થયું હોવાનું વન વિભાગનું તારણ
દીપડાના શરીર પર કાંટાળા તાર વીંટળાઈ ગયા હોવાના પુરાવા મળ્યા હતા અને કાંટાવાળા તારામાં દીપડો વિંટળાઈ જવાને કારણે તેનું મોત થયું છે તેવું પ્રાથમિક તારણ વન વિભાગને હાથ લાગ્યું હતું. જે બાદ ખેતરમાં કામ કરી રહેલા ભદ્રેશ ધામેલીયા નામના વ્યક્તિની દિપડાના મોતને લઈને વન વિભાગે અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં વન વિભાગ દિપડાના મોતને લઈને વધુ કેટલીક તપાસ ચલાવી રહી છે. આગામી દિવસોમાં વન વિભાગની પકડમાં રહેલા ભદ્રેશ ધામેલીયાની પૂછપરછમાં પણ કેટલીક વિગતો બહાર આવી શકે છે પરંતુ એક દિપડાનુ અપ્રાકૃતિક મોત થવાને કારણે વન વિભાગ હરકતમાં છે અને મોતની પાછળનું સાચું કારણ આગામી દિવસોમાં સામે આવી શકે છે.