જૂનાગઢઃ હાલ સમગ્ર દેશની સાથે કોરોના વાઇરસ ગુજરાતમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે તેની સામેની લડાઈમાં દરેક દેશવાસીઓ સામે આવી સરકારને તમામ પ્રકારની મદદ અને સહયોગ પણ આપી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓની સાથે સામાજિક સંગઠનો પણ આર્થિક સહાય આપી રહ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા કર્મચારીઓના કેટલાક ભથ્થાઓ આગામી એક વર્ષ માટે સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકીય નેતાઓ અને પદાધિકારીઓના પગાર બંધ કરી કોરોના સહાય ફંડમાં જમા કરો, જૂનાગઢના સામાજિક અગ્રણીઓની માગ - જૂનાગઢના તાજા સમાચાર
જૂનાગઢના સામાજિક અગ્રણીએ કરોના સામેની લડાઈમાં અનોખી માગ કરી છે. તેમણે દેશના તમામ ધારાસભ્યો સાંસદો અને રાજકીય પદ પર રહેલા પૂર્વ અને વર્તમાન પદાધિકારીઓના પગાર સહિતના ભથ્થાઓ બંધ કરવા અંગે કહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, આ રકમ સરકારની તિજોરીમાં જમા કરી કોરોના રાહત સહાયમાં વાપરવી જોઈએ.
જૂનાગઢના સામાજિક અગ્રણી ભાવેશ વેકરીયાએ દેશના તમામ વર્તમાન અને પૂર્વ સાંસદો ધારાસભ્યો અને સરકારી સાહસ પર રહેલા રાજકીય પદાધિકારીઓના પગાર ભથ્થાઓ અને તેમને મળતી આર્થિક સુવિધાઓ તાકીદે બંધ કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, આ રમક સરકારી તિજોરીમાં જમા કરી કોરોના રાહત સહાયમાં વાપરવી જોઈએ.
સરકાર દ્વારા રાજ્યના તમામ કર્મચારીઓ અને ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં આગામી એક વર્ષ સુધી કેટલોક કાપ મૂકવાની જાહેરાત કરી છે, ત્યારે જે વ્યક્તિઓ સરકારી કર્મચારીઓ નથી અને પગાર તેમજ ભથ્થાઓ મેળવી રહ્યા છે, તેવા તમામ લોકોને મળતું માનદવેતન સંપૂર્ણપણે બંધ કરવાની માગ કરવામાં આવી રહી છે. જેથી હવે સરકાર આવું પગલું ભરશે કે માત્ર કર્મચારીઓના ભથ્થાઓને કાપીને કોરોના સંક્રમિત લોકોની સહાય કરવા માટે આગળ વધશે તે જોવું રહ્યું.