- ગરમી સામે પશુ-પક્ષી અને પ્રાણીઓને રક્ષણ મળે તે માટે ઠંડકના સાધનો ગોઠવાયા
- કુલર, પંખા, ફુવારા અને બરફનો ઉપયોગ કરીને આપવામાં આવે છે ઠંડક ભર્યું વાતાવરણ
- દર વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન પશુ-પક્ષી અને પ્રાણીઓને ઠંડક મળે તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરાય છે
જૂનાગઢઃ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં રહેલા પશુ-પક્ષી અને પ્રાણીઓને આકરી ગરમીથી છુટકારો મળી રહે, તેમજ સમગ્ર દિવસ દરમિયાન તમામ પાંજરાઓમાં ઠંડક ભર્યું વાતાવરણ સતત જળવાઇ રહે તે માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તે મુજબ ઠંડા પ્રદેશના અને ખાસ કરીને પક્ષીઓને ઉનાળાની ઋતુ દરમિયાન કોઇ નુકસાન ન થાય તે માટે ફુવારા, નેટ અને કુલર જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેના થકી પશુ-પક્ષી અને પ્રાણીઓ આકરી ગરમીથી અને ખાસ કરીને આ સમય દરમિયાન ફુકાઈ રહેલી ગરમ હવાથી રક્ષણ મળે તે માટેનું વિશેષ આયોજન જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવ્યું છે.
વિદેશી અને માંસાહારી પ્રાણીઓ માટે કરાઇ છે ખાસ ઠંડકની વ્યવસ્થા
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં 100 જેટલી પ્રજાતિઓના પશુ-પક્ષી અને પ્રાણીઓ દેશ-વિદેશના જોવા મળે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કેટલાક ઠંડા પ્રદેશના પશુ-પક્ષી અને પ્રાણીઓ આકરી ગરમીમાં પોતાનું જીવન ટકાવી રાખવા માટે મથામણ ન કરે તે માટે ખાસ ઠંડક ભર્યું વાતાવરણ દરેક પાંજરાઓમાં ઊભું કરવામાં આવ્યું છે. પ્રત્યેક પશુ-પક્ષી કે પ્રાણીને અનુકૂળતા અને તેના શરીરની સહન શક્તિ મુજબ પાંજરામાં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે.