ગુજરાત

gujarat

ETV Bharat / city

પરષોત્તમ રૂપાલાનું મોદી કેબિનેટ 2.0માં પ્રમોશન, ડેરી અને મત્સ્ય વિભાગનો હવાલો સોંપાયો - મોદી કેબિનેટનું વિસ્તરણ

રાજ્યસભાના સાંસદ પરષોત્તમ રૂપાલા આજે બુધવારે કેન્દ્રિય કેબિનેટમાં કેબિનેટ પ્રધાન તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે. રૂપાલા અગાઉ અમરેલીથી મનુભાઈ કોટડીયા પણ કેન્દ્રીય પ્રધાનમંડળમાં રાજ્ય પ્રધાન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત કેન્દ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે અમરેલી જિલ્લાના પરષોત્તમ રૂપાલા કેબિનેટ પ્રધાન બનવા જઈ રહ્યા છે. શિક્ષકથી લઈને કેબિનેટ પ્રધાન સુધીની પરષોત્તમ રૂપાલાની રાજકીય સફર વિશે જાણવા માટે વાંચો આ અહેવાલ...

રાજ્યસભાના સાંસદ પરષોત્તમ રૂપાલાની મોદી કેબિનેટ 2.0માં પ્રમોશન
રાજ્યસભાના સાંસદ પરષોત્તમ રૂપાલાની મોદી કેબિનેટ 2.0માં પ્રમોશન

By

Published : Jul 7, 2021, 7:54 PM IST

Updated : Jul 7, 2021, 11:04 PM IST

  • ગુજરાતના રાજકારણમાં લાંબી કારકિર્દી ધરાવે છે
  • બીજી વખત કેન્દ્રીય પ્રધાનમંડળમાં મળ્યું સ્થાન
  • આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સ્થાન અપાયું હોવાની ચર્ચા

જૂનાગઢ : 1 ઓક્ટોબર 1956ના દિવસે અમરેલી જિલ્લાના ઈશ્વરિયામાં ખેડૂતના ઘરે જન્મ લેનાર પરષોત્તમ રૂપાલા ખૂબ લાંબી રાજકીય કારકિર્દી ધરાવે છે અત્યાર સુધીની તેમની રાજકીય સફરમાં અનેક ચડાવ-ઉતાર જોવા મળે છે. કેશુભાઈ પટેલ સરકારમાં પ્રથમ વખત જળ સંપતિ સિંચાઈ પ્રધાન બનેલા પરષોતમ રૂપાલા રાજકીય સફરમાં અનેક વખત સરકાર અને સંગઠનમાં કામ કરતા જોવા મળ્યા હતા. તેમની આ સફર દરમિયાન તેમણે ચૂંટણીમાં હારનો સામનો પણ કરવો પડ્યો હતો.

અમરેલીની પેટાચૂંટણીમાં રૂપાલા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા

સર્વપ્રથમ 1991માં દિલીપ સંઘાણી લોકસભાના સદસ્ય બનતા ખાલી પડેલી અમરેલીની પેટાચૂંટણીમાં રૂપાલા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં સ્વતંત્ર ભાજપને પ્રથમ સરકાર કેશુભાઈ પટેલના નેતૃત્વમાં આવી હતી. જેમાં પરષોત્તમ રૂપાલાને જળ સંપદા પ્રધાન તરીકે કામ કરવાની તક મળી હતી. ત્યારબાદ કેશુભાઈની બીજી સરકારમાં રૂપાલાને પ્રધાન પદ સોંપવામાં આપ્યું ન હતું, પરંતુ તેમને જીઆઇડીસીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

સોંપવામાં આવેલી મહત્વની જવાબદારીઓ

પરષોત્તમ રૂપાલા પ્રથમ વખત વર્ષ 1988માં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જે ૧૯૯૧ સુધી સફળ કારકિર્દી દરમિયાન તેમને વર્ષ 1992માં ગુજરાત પ્રદેશના પ્રધાન તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રૂપાલાની રાજકીય પકડને ધ્યાને રાખીને ભાજપ દ્વારા તેમણે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે 2006થી લઈને 2010 સુધી કામ કરવાની તક મળી હતી. આ સમય દરમ્યાન રૂપાલા ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પણ વર્ષ 2010થી લઈને 2016 સુધી જોવા મળ્યા હતા. આ સિવાય રૂપાલાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમને રાષ્ટ્રીય પ્રભારી અને કિસાન મોરચા જેવી મહત્વની જવાબદારી આપવામાં આવી હતી. જ્યારે રાષ્ટ્રીય પ્રભારી બન્યા ત્યારે તેમને આંધ્ર પ્રદેશનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. આ બાદ તેમને ગોવાના રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ નિમવામાં આવ્યા હતા અને પ્રભારી તરીકેની રૂપાલાની રાજકીય સૂઝબૂઝ અને કાર્યકર્તાઓને એક સાથે લઈને પક્ષના સંગઠનને મજબૂત કરવાની રણનીતિ હાથ ધરવામાં આવી હતી. તેના પરિણામ સ્વરૂપે આજે તેમને કેન્દ્રીય પ્રધાન મંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે સમાવવામાં આવી રહ્યા છે.

પરષોત્તમ રૂપાલાની સક્રિય રાજનીતિમાં સફર

પરષોત્તમ રૂપાલાની સક્રિય રાજનીતિની વાત કરીએ તો તેઓ વર્ષ 1991 માં પ્રથમ વખત અમરેલી વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 1995થી લઈને 1997 અને 1998થી લઈને 2002 સુધી એમ ત્રણ વખત અમરેલીના ધારાસભ્ય બની ચૂક્યા છે. આ સિવાય રૂપાલા ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન પણ વર્ષ 1997માં રહી ચૂક્યા છે. આ સિવાય રૂપાલાની રાષ્ટ્રીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ વર્ષ 2008થી રાજ્ય સભાના સદસ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા હતા. વર્ષ 2016માં રાજ્ય સભાના બીજી વખતના તેમના શાસનકાળ દરમિયાન તેઓ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના કૃષિ ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ મંત્રી તરીકે આજદિન સુધી સેવાઓ આપી રહ્યા છે. આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને તેમજ પટેલ સમીકરણ અને મતદારોને ખાસ મહત્વ આપીને કડવા પટેલ સમાજમાંથી આવતા પરષોત્તમ રૂપાલાને કેન્દ્રીય કેબિનેટમાં સમાવવામાં આવી રહ્યા છે. આ અગાઉ મનુભાઈ કોટડીયા ઇન્દિરા ગાંધી સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકેની સેવાઓ આપી ચૂક્યા છે. અમરેલી જિલ્લામાં કેન્દ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન સુધી પહોંચનારા પુરુષોતમ રૂપાલા બીજા રાજકીય નેતા છે.

જાહેર જીવન અગાઉની કારકિર્દી

પરષોતમ રૂપાલા સક્રિય રાજકારણમાં આવ્યા પહેલા તેઓ બગસરા તાલુકાના હામાપુર ગામની પ્રાથમિક શાળામાં 1983માં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. આ સિવાય અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે 1983થી લઈને 1987 સુધી સેવાઓ આપી છે. અમરેલીમાં આવેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય તરીકે પણ એક વર્ષ સુધી 1988માં સેવાઓ આપી ચૂક્યા છે. અમરેલી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તરીકે આજદિન સુધી કામ કરી રહ્યા છે. રૂપાલા ખૂબ જ જિજ્ઞાસુ અને શિક્ષક હોવાના નાતે તેઓ પ્રવાસ અને વાંચનના પણ શોખીન છે. તેઓ ઇઝરાઇલ, ઇંગ્લેન્ડ, નેપાળ, ઇંગ્લેન્ડ, ચીન, અમેરિકા, હોંગકોંગ, સુદાન, રશિયા, ઈટલી, અર્જેન્ટીના, સાઇપ્રસ અને ચેક રિપબ્લિકની પણ મુલાકાત કરી ચૂક્યા છે.

Last Updated : Jul 7, 2021, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details