જૂનાગઢ: અવિરત પડી રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં રોકડિયા પાક ગણાતા મોટાભાગના શાકભાજીનું વાવેતર નિષ્ફળ ગયું છે. ત્યારે તેની સૌરાષ્ટ્રના બજારોમાં પણ વિપરીત અસર જોવા મળી રહી છે. બજારોમાં શાકભાજીની આવક મર્યાદિત બની છે, જ્યારે માગ યથાવત છે. ગત વર્ષની સરખામણીએ શાકભાજીના બજાર ભાવ આસમાને જોવા મળી રહ્યા છે.
જૂનાગઢ: ભારે વરસાદને કારણે નષ્ટ થયેલા શાકભાજીના પાકની બજાર ભાવ પર જોવા મળી રહી છે પ્રતિકૂળ અસર - જૂનાગઢમાં શાકભાજીનું વાવેતર નષ્ટ
અવિરત પડી રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં રોકડિયા પાક ગણાતા મોટાભાગના શાકભાજીનું વાવેતર નિષ્ફળ ગયું છે. ત્યારે તેની સૌરાષ્ટ્રના બજારોમાં પણ વિપરીત અસર જોવા મળી રહી છે. બજારોમાં શાકભાજીની આવક મર્યાદિત બની છે, જ્યારે માગ યથાવત છે. ગત વર્ષની સરખામણીએ શાકભાજીના બજાર ભાવ આસમાને જોવા મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં મોટાભાગના શાકભાજીનું ઉત્પાદન અને વાવેતર સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવે છે જેને કારણે અન્ય પ્રાંત કે વિસ્તારમાંથી શાકભાજીની જરૂરિયાત જોવા મળતી નથી. પરંતુ પાછલા દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક શાકભાજીના પાકો નષ્ટ થઈ જતા જૂનાગઢની બજારો અન્ય પ્રાંતોના શાકભાજીની આવક પર નિર્ભર બની છે. ઉપરાંત તે વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડતા શાકભાજીનું વાવેતર ત્યાં પણ નિષ્ફળ ગયું છે જેને કારણે જૂનાગઢની બજારોમાં શાકભાજીના ઉંચા ભાવો હોવા છતાં પણ બજારમાં તેની અછત વર્તાઈ રહી છે.
રીંગણ જે અત્યાર સુધીમાં 20થી લઈને 40 રૂપિયે પ્રતિ કિલોના ભાવે રહેતા હતા તે આજે 140થી લઈને 160ના બજાર ભાવે વેચાઇ રહ્યા છે. તેમજ અન્ય શાકભાજીઓ જેવી કે ગવાર, દૂધી, તુરીયા, ગલકા, ભીંડો, કારેલા, કોબી, સરગવો, ટામેટા, ચોળી સહિતના મોટાભાગના શાકભાજી 100 થી લઈને 140 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. આ સાથે જ જેને લીલોતરી માનવામાં આવે છે તેવી મેથી, કોથમીર અને પાલક પણ 300 રૂપિયા પ્રતિ કિલોની સપાટી વટાવી ચૂક્યા છે.