જૂનાગઢ: હાલ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ લોકડાઉન છે, ત્યારે તમાકુનો વેપાર કરતાં વેપારીઓએ તેમના એકમોને ખુલ્લા રાખવાની માંગ કમિશ્નર સમક્ષ કરી હતી. જેને વ્યસનમુક્તિ સાથે સંકળાયેલા તબીબો દેશદ્રોહ સમાન માની રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં વેચાણ કરતાં વેપારીઓએ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ તેમને પણ તમાકુનું વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ ગઈકાલે કરી હતી. જેને જૂનાગઢના તબીબો અને વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવતાં ડૉક્ટર્સ બિલકુલ ગેર વ્યાજબી અને દેશદ્રોહ કરવા જેવી ઘટના ગણાવી રહ્યાં છે.
જૂનાગઢ શહેરમાં તમાકુ વેચાણ કરતા વેપારીઓએ મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ એવો તર્ક રજૂ કર્યો હતો કે, જે વ્યક્તિઓ તમાકુ, બીડી, મસાલા સિગારેટ જેવા વ્યસનો ધરાવે છે, તેવા લોકો હવે આકુળ-વ્યાકુળ બનીને શહેરમાં ફરતાં જોવા મળે છે, ત્યારે આવા લોકોને તમાકુનું વ્યસન પૂરું કરવા માટે તેમને તમાકુનું વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવે તો જે લોકો તમાકુની શોધમાં આકુળ-વ્યાકુળ થઈને ફરે છે તેવો ઘરની બહાર નીકળવાનું ટાળશે.
તમાકુનું વેચાણ કરતાં વેપારીઓનો આ તર્ક જૂનાગઢના તબીબો અને વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવતા ડોક્ટર્સ બિલકુલ અયોગ્ય અને ગેરવાજબી ગણાવી રહ્યાં છે.