ગુજરાત

gujarat

ETV Bharat / city

મગફળીમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં મળી રહી છે વધુ કિંમત... - આ વર્ષે મગફળીનું ઓછું વાવેતર

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે મગફળીના ટેકાના ભાવને લઈને સરકાર સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, ઉલ્લેખનીય છે કે, સરકાર ખેડૂતો પાસેથી 1110 રૂપિયા ટેકાના ભાવે મગફળીને ખરીદી રહી છે, તો બીજી તરફ ખેડૂતોને ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતા 90 રૂપિયાથી વધુનો ભાવ મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, બુધવારના રોજ મળનારી રાજ્ય સરકારના કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે, ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં મગફળીની નિકાસ કરવામાં આવે છે.

મગફળીમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં મળી રહી છે વધુ કિંમત...
મગફળીમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં મળી રહી છે વધુ કિંમત...

By

Published : Nov 9, 2021, 8:35 PM IST

Updated : Nov 9, 2021, 9:07 PM IST

  • ખેડૂતોને મગફળીના ટેકાના ભાવ કરતા ખુલ્લી બજારનો ભાવ વધુ મળી રહ્યા છે
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીનું ઉત્પાદન અને તેની નિકાસ વધવાની શક્યતા
  • બુધવારના રોજ સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવ અંગે થઈ શકે છે ચર્ચા
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળી નિકાસ અને હૂંડિયામણમાં થઈ શકે વધારો

જૂનાગઢ : લાભ પાચમના દિવસથી સમગ્ર રાજ્યના વિવિધ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ વર્ષે મગફળીના ટેકાનો ભાવ 1110 રૂપિયા રાખવામાં આવ્યો છે, તેની સામે ખેડૂતોને ખુલ્લા બજારમાં 90 રૂપિયાથી વધુનો ભાવ મળી રહ્યો છે., ત્યારે ખેડૂતોમાં પણ સરકાર સામે અનેક બાબતોએ રોષ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં ખાસ સૌરાષ્ટ્રની મગફળી ખેતીની ગુણવત્તાની દ્રષ્ટિએ તેમજ ખાદ્યતેલ મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આ સાથે દર વર્ષે દેશના અનેક રાજ્યોમાં પણ સૌરાષ્ટ્રની મગફળીની નિકાસ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે મગફળીને લઈને કેવો માહોલ રહેશે તેના પર એક નજર......

મગફળીમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં મળી રહી છે વધુ કિંમત...

સરકાર સામે ખેડૂતોની નારાજગી

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ટેકાના ભાવને લઈને ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત હતી. ETV Bharat સાથેની વાતચીતમાં ખેડૂત જૂનાગઢના નિલેશ ગોધાણીએ જણાવ્યું હતું કે, "સરકાર દ્વારા કરવામાં આવતી ટેકાના ભાવની ખરીદી તદ્દન ખોટી છે, મગફળી ખરીદવાને લઈને સરકાર દ્વારા નવા નવા બહાના કાઢવામાં આવે છે. વધુમાં ખેડૂતે કહ્યું હતું કે, હરાજીમાં અમને યોગ્ય ભાવ મળે છે. બીજી તરફ સરકાર ટેકાના ભાવે ખરીદવા કોઈને કોઈ બહાનું બનાવીને મગફળી ખરીદતા નથી."

સૌરાષ્ટ્રમાં ખેત પેદાશોમાં મગફળી મોખરે

સૌરાષ્ટ્રમાં ખેત પેદાશોમાં મગફળી મોખરે રહે છે, ત્યારે પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ગુજરાતમાંથી મગફળીની નિકાસ અને તેના દ્વારા સરકારને થતી આવકમાં વધારો થઇ શકે છે. મગફળીનું વાવેતર અને તેના ઉત્પાદનને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કરવામાં આવતી મગફળીની ખેતી ગુણવત્તાની દ્રષ્ટિએ તેમજ ખાદ્યતેલ મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે, જેને કારણે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, રાજકોટ સહિત મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસુ પાક તરીકે મગફળીનું વાવેતર થાય છે. આથી, રાજ્ય સરકાર મગફળીની નિકાસ કરીને ખૂબ સારું હુંડીયામણ મેળવી રહી છે.

આ વર્ષે મગફળીનું ઓછું વાવેતર

ગત વર્ષે મગફળી નિકાસ અને તેના દ્વારા પ્રાપ્ત થતા હુંડીયામણ કરતા આ વર્ષે મગફળીનું ઓછું વાવેતર થયું હોવા છતાં પણ વધુ ઉત્પાદન થવાની શક્યતાઓને ધ્યાને લઈને સરકારને સારું હુંડીયામણ મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ વર્ષે ફરી ગુજરાત મગફળી નિકાસ કરવામાં અવ્વલ નંબરે જોવા મળી શકે છે.

ગુજરાતમાંથી મગફળીનો નિકાસ

વર્ષ 2019 માં 3600 કરોડની મગફળીની નિકાસ કરવામાં આવી હતી, જેના પ્રતિ મેટ્રિક ટન દીઠ 1071 ડોલર નિકાસકારોને મળ્યા હતા. વર્ષ 2019-20 માં પ્રતિ મેટ્રિક ટન દીઠ ૧૧૩૯ જેટલા ઊંચા ભાવો નિકાસકારોને મળ્યા છે, અગાઉના વર્ષમાં 6.64 લાખ મેટ્રિક ટન મગફળી નિકાસ કરવામાં આવી હતી, જેમાં આ વર્ષે ૬.૩૮ લાખ મેટ્રિક ટન મગફળીની નિકાસ થવાની શક્યતાઓ છે, જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે થોડો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. એપ્રિલ 2020થી લઈને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી ૪.૨ લાખ મેટ્રિક ટન મગફળીની નિકાસ કરવામાં આવી હતી, જે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આ સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં ૪.૫ લાખ મેટ્રિક ટન મગફળીની નિકાસ થઇ ચૂકી છે, દેશમાં મગફળીની જે નિકાસ કરવામાં આવી છે, તેમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધારે ૭૦ ટકાની આસપાસ જોવા મળે છે.

મગફળીની નિકાસની ટકાવારી પર એક નજર

વર્ષ 2020 ના એપ્રિલ મહિનાથી લઈને વર્ષ ૨૦૨૧ ના ફેબ્રુઆરી મહિના સુધી 3505 કરોડ રૂપિયાની મગફળીની નિકાસ કરવામાં આવી છે, જે ગત વર્ષની નિકાસ કરવામાં આવેલી 3405 કરોડ રૂપિયાની સામે આ વર્ષે તેમાં અંદાજિત ત્રણ ટકા જેટલો વધારો થયો છે. આ વધારો સ્પષ્ટ બતાવી આપે છે કે, નિકાસકારોને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળી સારું આર્થિક હુડીયામણ આપશે, વર્ષ 2019માં મગફળીની નિકાસ 3600 કરોડની થઈ હતી, જેમાં આ વર્ષે પણ થોડો વધારો થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આર્થિક હૂંડિયામણ વધારો મગફળીનું વાવેતર ઘટવાની સામે મગફળીની ગુણવત્તા સારી હોવાને કારણે પણ થઈ શકે છે. આથી, આ વર્ષે પણ મગફળીની નિકાસ કરતા નિકાસકારોને સારું આર્થિક હૂંડિયામણ મગફળી દ્વારા મળશે, તેવું ચોક્કસ લાગી રહ્યું છે.

મગફળીનું ઉત્પાદન વધવાની શક્યતા

ગુજરાત સરકારે એક પ્રાથમિક અંદાજ મૂક્યો હતો કે, ચાલુ ખરીફ સીઝનમાં મગફળીનું ઉત્પાદન 39.94 લાખ મેટ્રિક ટન થઈ શકે છે, તે મુજબ સમગ્ર ગુજરાતમાં વાવેતર વિસ્તાર ઘટ્યો હોવા છતાં મગફળીનું ઉત્પાદન સારું થશે, જેને કારણે સરકારનો અંદાજ સાચો પડતો જોવા મળી રહ્યો છે. ગત વર્ષના અંદાજની વાત કરીએ તો વર્ષ 2020/21 માં 39.87 લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાં આ વર્ષે 7 ટકા જેટલો વધારો થશે, તેવું સ્પષ્ટ માનવામાં આવે છે, જેને કારણે પણ નિકાસકારોને આર્થિક હુંડીયામણ વધુ મળશે.

મગફળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ મોખરે

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ જિલ્લાની જમીન મગફળીના વાવેતરને અનુકૂળ આવે છે, જેને કારણે આ પાંચ જિલ્લાઓમાં ખરીફ સીઝન દરમિયાન મોટાભાગે મગફળીનું વાવેતર કરવામાં આવે છે. આથી, મગફળીના ઉત્પાદનમાં ગુજરાત સર્વોત્તમ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પાકતી મગફળી ગુણવત્તાની દ્રષ્ટિએ અને ખાદ્ય તેલ બનાવવા માટે પણ ખૂબ સારી હોવાને કારણે સૌરાષ્ટ્રની મગફળીની વિશેષ માંગ બજારમાં જોવા મળે છે. રાજ્ય સરકાર પ્રતિ ૨૦ કિલો મગફળીની 1110 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. તેની સામે ખુલ્લી બજારમાં 1100થી લઇને 1200 રૂપિયા ખેડૂતોને પ્રતિ ૨૦ કિલો મગફળીના મળી રહ્યા છે.

GJG 32 મગફળીની જાત તેલ માટે અવ્વલ

આ અંગે જૂનાગઠ કૃષિ યુનિવર્સિટીના મગફળી સંશોધન વિભાગના વૈજ્ઞાનિક ડો. આર બી માદરીયાએ ETV Bharat સાથેની વાતચીતમાં મગફળી મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મુખ્યત્વે 7 જાતની મગફળીની અલગ અલગ વેરાઈટી વિકસાવવામાં આવી છે, જે મુજબ GG20, GJG 22, GJG 32,TG 37A, TAG 24, TPG 41 અને TJG 45 જાતની મગફળી સંશોધનના અંતે ખેડૂતો માટે વાવેતર કરવાની ભલામણ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. જે મુજબ GJG 32 મગફળી સૌથી વધારે તેલ આપતી હોવાનું સંશોધન વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે. આ જાતની મગફળી ૫૪ ટકા જેટલું મગફળીનું તેલ ઉત્પાદિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે, જેને લઇને સૌરાષ્ટ્ર વિસ્તારમાં GJG 32 મગફળીનું વિશેષ વાવેતર અને તેની માંગ પણ જોવા મળે છે. આ સાથે GG 20 મગફળી પણ તેના ખાદ્યાતેલ ઉત્પાદન કરવાની ક્ષમતાને લઈને બીજા નંબરે જોવા મળે છે. આ મગફળી 52 ટકા જેટલું તેલ ઉત્પાદિત કરવાની ક્ષમતા ધરાવે છે, આ સિવાય બીજી મગફળીની જાતો ક્રમશ ઓછું તેલ ઉત્પાદન આપતી હોય છે, ત્યારે GG20 અને GJG 32 મગફળી ખાદ્ય તેલના ઉત્પાદનને લઈને આજે સમગ્ર દેશમાં ખેડૂતોની પ્રથમ પસંદગી બની રહી છે.

Last Updated : Nov 9, 2021, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details