દિવાળીનાં સમયે શહેરની બજારમાં અવનવા મુખવાસનુ આગમન થાય છે. જેમાં આ વખતે ખજૂર અને કેરીમાંથી બનાવવામાં આવેલા મુખવાસ પ્રથમ વખત બજારમાં આવ્યો છે. બીજી તરફ મોંઘવારીને લઈને મુખવાસના ભાવોમાં પણ ગત વર્ષની સરખામણીએ 50 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢની બજારમાં મુખવાસની વિવિધ વેરાયટીસનું આગમન - verity of mukhvas
જૂનાગઢ: દિવાળીના તહેવારોને લઇને શહેરની બજારમાં અવનવા મુખવાસનું આગમન થઈ ગયું છે. આ વખતે ખજૂર અને કેરી ફ્લેવરના મુખવાસે દિવાળીમાં ખાસ આકર્ષણ જમાવ્યું છે.
દિવાળીના મુખવાસની વેરાયટીસમાં કેરી અને ખજૂરમાંથી બનેલો વિશેષ મુખવાસ પ્રથમ વખત બજારમાં આવ્યો છે. જે 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાઈ રહ્યો છે. બીજી તરફ દર વર્ષની જેમ સોપારી, શાકર, વરિયાળી, હાજમાં હજમ, પાન મસાલા અને તલમાંથી બનતો મુખવાસ બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ, આ વખતે મુખવાસ મોંઘવારીના મારમાં સપડાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.
દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે દિવાળીમાં આવતા મહેમાનોનું મોં મીઠું કરાવવા માટે મુખવાસ ખવડાવામાં આવે છે. પ્રાચીનકાળથી ચાલી આવતી મુખવાસની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. પ્રાચીન કાળમાં ધાણાદાળ વરિયારળી અને સાકરને મુખવાસના રૂપમાં રજૂ કરવામાં આવતો હતો. આધુનિક સમયમાં અવનવા અને ૨૦ કરતાં વધુ વેરાઈટીના મુખવાસનું બજારમાં આગમન થઈ ગયું છે.