- પાકિસ્તાન તરફથી આવી રહેલા સૂકા અને ગરમ પવનથી ગુજરાતમાં Monsoon Delay
- આગામી 15મી જુલાઇ સુધી નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે નકારી
- અરબી સમુદ્ર અને બંગાળના અખાતમાં વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય હોવાને કારણે ચોમાસું ખેંચાયું
જૂનાગઢઃ પાકિસ્તાન તરફથી ફૂંકાઈ રહેલા ગરમ અને સૂકા પવનોને કારણે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુ ખેંચાતી ( Monsoon Delay ) જોવા મળી રહી છે. વાતાવરણની અનિયમિતતાને કારણે ચોમાસાની ઋતુ થોડી પ્રભાવિત થઇ છે અને જેને કારણે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં પણ જૂનાગઢ સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ હજુ સુધી જોવા મળ્યો નથી.
જૂન મહિનામાં જોવા મળી 57 ટકા વરસાદની ઘટ
પાછલા કેટલાંક વર્ષોની સરખામણીએ આ વર્ષે જૂન મહિનાના વરસાદમાં 57 ટકા કરતાં વધુની ઘટ જોવા મળી રહી છે જેને ચિંતાજનક પણ માની શકાય તેમ છે. ગત વર્ષની વાત કરીએ તો જૂન મહિના દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં સરેરાશ 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે આ વર્ષે માત્ર 3.5 ઇંચ જેટલો જ વરસાદ અત્યાર સુધી જોવા મળ્યો છે ( Monsoon Delay ) જેને વરસાદની ખૂબ મોટી ઘટ સાથે સરખાવવામાં પણ આવી રહ્યો છે.
આગામી 15 તારીખ બાદ ચોમાસાની સિસ્ટમો સક્રિય થાય તેવી આશા
ગુજરાતનું ચોમાસુ મોટાભાગે અરબી સમુદ્ર અને બંગાળના અખાતમાં સિસ્ટમ સર્જાય તેના પર નિર્ભર બનતું આવ્યું છે. ત્યારે આ વર્ષે હજુ સુધી બંગાળના અખાત અને અરબી સમુદ્રમાં ચોમાસાના વરસાદને લઇને કોઇપણ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળતું નથી. જેને કારણે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદની ખૂબ ખેચ ( Monsoon Delay ) જોવા મળી રહી છે. 15 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર પ્રદેશમાં ચોમાસાની સિસ્ટમમાં બંધાતી જોવા મળી શકે છે પરંતુ 15 તારીખ પહેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.