- માગશર સુદ અગિયારસનો દિવસ એટલે મોક્ષદા એકાદશી
- યુધિષ્ઠિરે આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને અગિયારસની પૂજા લઈને પ્રશ્ન પૂછ્યા હતા
- મોક્ષદા એકાદશી પ્રત્યેક જીવને નર્ક માંથી બચાવી શકે છે તેવી ધાર્મિક માન્યતા
જુનાગઢ:માગશર સુદ અગિયારસ (moksha ekadashi 2021) એટલે કે મોક્ષદા એકાદશીની ઉજવણી (Mokshada Ekadashi Celebration) આજે થઈ રહી છે. મહાભારતકાળના સમયમાં ધર્મરાજા યુધિષ્ઠિર દ્વારા માગશર મહિનાની અગિયારસને નામાધીમાન કરવાની સાથે આજના દિવસે કરવામાં આવતા વ્રતની વિધિ અને આજની અગિયારસ કયા દેવી-દેવતાઓને સમર્પિત કરીને તેનું પૂજન અને અર્ચન કરવું જોઈએ તેવા સવાલ કર્યા હતાં, ત્યારથી આજના દિવસે માગશર સુદ અગિયારસ એટલે કે, મોક્ષદા એકાદશીની ઉજવણી કરવાની શરૂઆત થઇ હતી, જે આદિ-અનાદિ કાળથી ચાલતી આવે છે. આજના દિવસે વ્રત પૂજન અને ઉપવાસ કરવાથી પ્રત્યેક જીવને નર્કમાં જતા રોકી શકવાની શક્તિ આ મોક્ષદા એકાદશી ધરાવે છે.
મોક્ષદા એકાદશીની પાછળ જોડાયેલી ધાર્મિક કથા
મોક્ષદા એકાદશીની પાછળ પણ એક ધાર્મિક કથા જોડાયેલી છે. સેકડો વર્ષ પહેલા ગોકુળનગરમાં વૈખાનસ નામના એક રાજા થઈ ગયા, રાજાને એવું સ્વપ્ન આવ્યું હતું કે, તેમના પિતા નરકની યાતના ભોગવી રહ્યા છે, ત્યારબાદ વહેલી સવારે નિદ્રાવસ્થામાંથી જાગીને રાજાએ સ્નાન વિધિ પૂર્ણ કરી વિદ્વાન પંડિતોની હાજરીમાં રાત્રી દરમિયાન આવેલા સ્વપ્નને લઈને ચિંતા વ્યક્ત કરી અને વિદ્વાન પંડિતો પાસે એવી યાચના કરી કે મારા પિતાને આ નરકની યાતનાઓમાંથી મુક્તિ મળે તે માટેનો કોઈ માર્ગ બતાવો ત્યારે ઉપસ્થિત પંડિતોએ રાજાને માર્ગ બતાવતા કહ્યું હતું કે, તમે ત્રિકાળજ્ઞાની એવા પર્વત મુનિ પાસે તમારી સમસ્યાને લઈને જશો તો તેનો તે યોગ્ય માર્ગ બતાવશે તેવો વિશ્વાસ રાજા વૈખાનસને અપાવ્યો હતો.
માનવમાત્રને નર્ક માંથી મુક્તિ અપાવતી મોક્ષદા એકાદશી
પંડિતોની સલાહનો અનુકરણ કરીને રાજા વૈખાનસ પર્વત મુનિને તેમની સમસ્યાના નિરાકરણ માટે મળવા પહોંચી જાય છે. ત્રણેય કાળના જાણકાર એવા પર્વત મુનિએ વૈખાનસ રાજાના સવાલો તેમના યોગ બળના પ્રભાવથી અગાઉ જ જાણી લીધા હતા. પર્વત મુનિએ કહ્યું હતું કે, હે રાજા પૂર્વ જન્મમાં તમારા પિતાએ બીજી પત્નીને ઋતુ દાન આપ્યું ન હતું, તેથી તેમને નરકમાં જવું પડ્યું છે તેમના નિવારણ માટે માગસર સુદ અગિયારસના દિવસે ઉપવાસ કરી રાત્રે જાગરણ કરવામાં આવે તો તેના પુણ્યનું ફળ તમારા પિતાજીને અર્પણ કરો તોજ તેમનો નર્કલોકમાંથી સ્વર્ગલોકમાં વાસ થઈ શકે છે.