- જૂનાગઢના ધારાસભ્યએ ગ્રામ્ય કક્ષાના માર્ગોને લઈને માર્ગ-મકાન પ્રધાનને લખ્યો પત્ર
- જૂનાગઢ જિલ્લા મથક સાથે જોડતા 10 કરતાં વધુ ગામોના માર્ગો ખખડધજ
- ધારાસભ્ય ભીખાભાઈ દ્વારા કામ તાકીદે શરૂ થાય તેવી માંગ કરાઈ
જૂનાગઢ : રાજ્યના માર્ગ અને મકાન પ્રધાનને જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ તેમના મતક્ષેત્રમાં આવતા તેમજ જૂનાગઢને જોડતા 10 કરતાં વધુ ગામોના માર્ગોનું નવીનીકરણ અને તેના રિપેરીંગ માટે પત્ર લખીને કામ તાકીદે શરૂ થાય તેવી માંગ કરી હતી.
માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદી પાસે માંગ
ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આજે સોમવારે જૂનાગઢ વિધાનસભામાં આવતા ઈવનગર, તલીયાધાર, આંબલીયા, વાલાસીમડી સહિત 10 કરતાં વધુ ગામોના માર્ગોના નવીનીકરણ અને સમારકામ અંગે રાજ્યના માર્ગ અને મકાન પ્રધાનને પત્ર દ્વારા માંગ કરી છે. જૂનાગઢના 10 કરતાં વધુ ગામોના માર્ગો જિલ્લા મથક સાથે જોડાયેલા છે, આ રસ્તાઓ અતિ બિસ્માર અને ખખડધજ હોવાને કારણે લોકોને ખૂબ જ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે માર્ગોના નવીનીકરણ અને સમારકામને લઈને માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદી પાસે પત્ર દ્વારા માંગ કરી છે.