- ખેડૂતો જાતે કેરીને કચરાના ઢગલામાં ફેંકી રહ્યા છે
- વર્ષો બાદ આ પ્રકારનું સંકટ કેસર કેરી પર જોવા મળ્યું
- ગીરની શાન સમી કેસર કેરી ફેરવાઈ રહી છે કચરાના ઢગમાં
જૂનાગઢ: ગત મંગળવારે ગુજરાતના દરિયાકાંઠા પર આવેલા વાવાઝોડા બાદ ફૂંકાયેલા પવનને કારણે ગીર પંથકની કેસર કેરી આંબા પરથી ખરી પડી હતી. જેના ચિંતાજનક દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. ખેડૂતો કેસર કેરીને આ પ્રકારનું નુકસાન થયું હોય એવું પાછલા કેટલાય વર્ષોથી બન્યું ન હોવાનું જણાવી રહ્યા છે. આ વખતે આવેલું વાવાઝોડું જાણે કે, કેસર કેરીના પાક અને આંબાવાડિયા પર કહેર બનીને ત્રાટક્યું હોય તેવા ખૂબ જ મુશ્કેલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતો પોતાના જીવ સમી કેસર કેરીને હવે કચરાના ઢગલામાં નાંખી રહ્યા છે.
તૌકતેની તારાજી, ગીરની શાન સમી કેસર કેરી ફેરવાઈ રહી છે કચરાના ઢગમાં વર્ષમાં એક માત્ર કમાણી અને સ્વાદની સોડમ કેસર કેરી કચરાનો ઢગલો બની રહી છે
ખેડૂતો માટે વર્ષમાં એક જ વખત લેવાતા પાક તરીકે ગીર પંથકમાં કેસર એવી ખૂબ જ પ્રચલિત છે. ગીરની કેસર કેરી સ્વાદના રસિકો માટે જાણે કે સ્વર્ગની અનુભૂતિ કરાવતી હોય તેવો અહેસાસ લઈને ગરમીના દિવસોમાં આવતી હોય છે, પરંતુ પાછલા દિવસોમાં ત્રાટકેલા વાવાઝોડાને લઈને ગીરની કેરી ટપોટપ જમીન પર ખરી પડી હતી. જેને કારણે ખેડૂતોને એક વર્ષની કમાણી જાણે કે કચરામાં પરિવર્તિત થઈ ગઈ હોય તેવા ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વધુમાં સ્વાદના શોખીનો ગીરની કેસર કેરીનો સ્વાદ માણવા માટે રાહ જોઇને બેઠા હોય છે તે સ્વાદ રસિકો માટે પણ આ વર્ષે કેસર કેરીનો સ્વાદ ખૂબ જ કડવો બની રહે તેવા દ્રશ્યો ગીરમાંથી સામે આવી રહ્યા છે.