ગીર પંથકના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં દીપડાઓ બેકાબુ બનીને હુમલાઓ કરી રહ્યા છે, ત્યારે ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસુ પાકની સીઝન ચાલી રહી હોવાથી ખેતરોમાં મજૂરોની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
ગીર વિસ્તારમાં દીપડાઓનો હાહાકાર, એક મહિનામાં 12 લોકોના મોત - junagadh news
જૂનાગઢઃ છેલ્લા એક મહિનામાં અમરેલી, જૂનાગઢ અને ગીર સોમાનાથ જિલ્લામાં દીપડાઓએ હાહાકાર મચાવ્યો છે. અચાનક દીપડાઓના જીવલેણ હુમલાના બનાવો વધી રહ્યા છે. જેમાં એક મહિનામાં 12 લોકોના મોત થયા છે.
છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, અમરેલીમાં 5, જૂનાગઢમાં 3 અને ગીર સોમનાથ જિલ્લામાં 4 વ્યક્તિઓ દીપડા દ્વારા કરવામાં આવેલ હુમલામાં મોતને ઘાટ ઉતર્યા છે. આ આંકડાઓ માત્ર છેલ્લા એક મહિનાના છે, જો પાછલા એક વર્ષની વાત કરીએતો આ આંકડો ખુબ મોટો છે. હાલ ખેડૂતોને પાકની સીઝન ચાલી રહી છે, ત્યારે દીપડાઓ બેકાબુ બનતા ખેડૂતો અને મજૂરોની સાથે ગીર વિસ્તારના ગામડાઓમાં પણ દીપડાને લઈને ભય જોવા મળી રહ્યો છે.
વન વિભાગની માહિતી પ્રમાણે, ગીર વિસ્તારમાં અંદાજે 1200 જેટલા દીપડાઓ છે. આ દીપડાઓ દ્વારા વર્ષ દરમિયાન સરેરાશ 100 જેટલા હુમલાઓ કરવામાં આવે છે. જે પૈકી 10 ટકા લોકોના આ હુમલામાં મોત પણ થતા હોય છે. ઉલ્લેખનીય છે કે, દીપડાની વસ્તી જે પ્રકારે વધી રહી છે તેને લઈને જંગલ વિસ્તાર નાનો પડી રહ્યો છે. જેથી દીપડાઓ ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળી રહ્યા છે અને તેનો ભોગ ખેડૂતો, મજૂરો અને નિર્દોષ ગામલોકો બની રહ્યા છે.