- જૂનાગઢની કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી
- પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી
- લાભુબેન પીપળીયાની પ્રમુખ તરીકે વરણી
જૂનાગઢ :જિલ્લાની કેશોદ નગરપાલિકામાં આજે ગુરુવારે પ્રમુખની અને ઉપપ્રમુખની વરણી હાથ ધરવામાં આવી હતી. સવારે 11:00 વાગે કેશોદ નગરપાલિકાના સભાખંડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી હાથ ધરવામાં આવી હતી. ભાજપમાંથી ચૂંટાયેલા લાભુબેન પીપળીયા પ્રમુખ તરીકે અને ભાજપના જ ગૌરાંગ વ્યાસ ઉપપ્રમુખ તરીકે કેશોદ નગરપાલિકામાં બિનહરીફ રીતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જેને ઉપસ્થિત ભાજપના કાર્યકરો અને અધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો : જામજોધપુરના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાવનાબેન સાકરિયાની વરણી કરાઈ
મહિલા પ્રમુખે લોકોની સમસ્યાને પોતાની સમસ્યા ગણાવી
આજે ગુરુવારે કેશોદ નગરપાલિકાના મહિલા પ્રમુખ તરીકે લાભુબેન પીપળીયાએ પદ ગ્રહણ કર્યું હતું. ગ્રહણ કરતાની સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કેશોદ નગરપાલિકાના લોકોની સમસ્યાએ તેમની પોતાની સમસ્યા છે. જલ્દી જ તેમનું નિરાકરણ કરવામાં આવે તે દિશામાં તેઓ વધુ કામ કરશે.