જૂનાગઢ : રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસોમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે. પાછલા પાંચેક વર્ષથી ધર્મની સાથે સામાજિક અને રાજકીય ગતિવિધિનું કેન્દ્ર ગણાતું ખોડલધામ આજે પ્રત્યેક રાજકીય પક્ષ અને ઉમેદવારો માટે અનિવાર્ય બની ગયું છે. આવી પરિસ્થિતિમાં હવે જૂનાગઢ નજીક આવેલ ઉમાધામ ગાંઠીલા (Umadham Ganthila) ખાતે કડવા પાટીદારોનું સંમેલન (Kadava Patidar Sanmelan) યોજવા જઈ રહ્યું છે. જેમાં ગાંઠીલા સંસ્થાના પ્રમુખ વાલજીભાઈ ફળદુ અને સિદસર સંસ્થાના પ્રમુખ જેરામભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કડવા પાટીદારોના આ સામાજિક સંમેલનમાં પાટીદારોની રણનીતિને લઈને મનોમંથન કરાશે.
સંમેલનને અપાયું સામાજિક મહાસંમેલનનું નામ :ઉમાધામ ગાઠીલા (Umadham Ganthila) ખાતે આગામી 6 તારીખને ગુરુવારના દિવસે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કડવા પાટીદારોનું મહાસંમેલનનુું આયોજન કરાયું છે. જેને સામાજિક મહાસંમેલનનું નામ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં જઈ રહી છે, ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની મળીને નવ વિધાનસભા બેઠકો પર કડવા પાટીદાર મતદારો મહત્વ ધરાવે છે. આવી પરિસ્થિતિમાં કડવા પાટીદાર સમાજના રાજકીય હિતને ધ્યાને રાખીને આ સંમેલન બોલાવવામાં આવ્યું હશે તેવું ચોક્કસ માની શકાય વધુમાં આ સંમેલનમાં કડવા પાટીદાર સમાજના ઉમેદવારોની ચૂંટણી જીતવાની શક્યતાને આધારે તમામ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવે તેવો એક સૂરનો મત પણ પ્રગટ થઈ શકે છે.