જૂનાગઢઃ થોડા દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં એક દીપડાની હાજરી CCTV કેમેરામાં કેદ થઈ હતી. જે કારણે હવે વિદ્યાર્થીઓમાં દીપડાનો ભય પ્રસરી રહ્યો છે. વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા છે કે, વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવામાં આવે, નહીંતર વિદ્યાર્થીઓ આંદોલનનો માર્ગ અપનાવશે.
થોડા દિવસો પહેલા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક દીપડાની હાજરી CCTV કેમેરામાં જોવા મળી હતી. જેને લઈને વિદ્યાર્થીઓ અને કોલેજના અધ્યાપકોમાં ચિંતા સાથે ભય જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ જે તે સમયે મેડિકલ કોલેજના અધ્યાપકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયની લાગણી ફેલાઈ વન વિભાગે આ દીપડાને પકડી પાડવા માટે એક પાંજરૂ ગોઠવીને કાર્યવાહી કર્યાનો સંતોષ માની લીધો હતો, જે બાદ પણ છેલ્લા એક અઠવાડિયાથી દીપડો પાંજરે પુરાતો નથી, જેને લઈને આ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
વન વિભાગ દ્વારા એક પાજરૂ મેડિકલ કોલેજમાં ગોઠવવામાં આવ્યું છે. આ પાંજરામાં કોઈપણ પ્રકારનું મારણ મૂકવામાં આવ્યું નથી. તેમજ આ પાંજરૂ બંને તરફથી બંધ હાલતમાં છે, તો આ પાંજરામાં દીપડો ક્યારે અને કઈ રીતે પકડાશે એ અંગે પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં શંકા ઉદ્દભવી રહી છે. આ અંતર્ગત શુક્રવારે વિદ્યાર્થીઓ દ્વારા દીપડાને વન વિભાગ પકડી પાડવામાં આવે તેવી ઉગ્ર માગ કરવામાં આવી હતી.