1 એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડન ખટોલા
24 ઓક્ટોબર 2021ના દિવસે જુનાગઢે સમગ્ર વિશ્વમાં ગૌરવ લઈ શકાય તેવી સિદ્ધિ હાંસલ કરી હતી. વડાપ્રધાન મોદી ૨૪ ઓકટોબરના દિવસે ગિરનાર ઉડન ખટોલાને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ગીરનાર રોપવેને સમગ્ર એશિયામાં સૌથી લાંબો રોપવે માનવામાં આવે છે. જેનું ગર્વ જૂનાગઢ જીલ્લો સમગ્ર એશિયામાં લઈ રહ્યો છે.
2 વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી કિસાન સૂર્યોદય યોજના
24 ઓક્ટોબર 2021ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપીને કિસાન સૂર્યોદય રાષ્ટ્રીય યોજનાનો શુભારંભ કર્યો હતો આ યોજના પણ સમગ્ર રાષ્ટ્રમાં જુનાગઢથી સમર્પિત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી માટેની વિજળી રાત્રીની જગ્યા પર દિવસે પૂરી પાડવાની યોજના હતી.
3 માર્ગ અને ટ્રેન અકસ્માતમાં ત્રણ સિંહોના મોત
2021નુ વર્ષ સિંહો માટે ગોજારુ સાબિત થયું હતું. ગીર પૂર્વ અને પશ્ચિમમાં મળીને કુલ ત્રણ જેટલા સિંહોના માર્ગ અને રેલવે અકસ્માતમાં મોત થયા હતા. જેને કારણે સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળતો હતો. પાછલા કેટલાક વર્ષની સરખામણીએ આ વર્ષ સિંહોના અકસ્માતે મોતના બનાવો વધુ જોવા મળ્યા હતા.
4 સિંહના બ્રિડિંગ સેન્ટરમાં 29 સિંહબાળના જન્મ
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલું સિંહોના બ્રિડિંગ સેન્ટરમાં ઇતિહાસમાં પ્રથમ વખત ૨૯ જેટલા સિંહબાળનો જન્મ થયો છે. પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે થયેલા સિંહબાળનો જન્મ અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ માનવામાં આવે છે. બ્રિડિંગ સેન્ટર થકી સિંહોની સંતતિને સુરક્ષિત રાખવાની દિશામાં પણ વિભાગને સફળતાપૂર્વક બ્રિડિંગ કરાવવામાં સફળતા મળી છે.
5 કોરોના સંક્રમણને કારણે લીલી પરિક્રમા પ્રતિકાત્મક
કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પ્રતિકાત્મક રૂપે યોજાઇ હતી. ગત વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે માત્ર ૪૦૦ લોકોને જ પ્રતિકાત્મક પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. તે મુજબ આ વર્ષે પણ પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરાયું હતું. જેમાં પણ કોરોના સંક્રમણની તમામ ગાઈડલાઇન્સને ધ્યાને રાખીને 400 લોકોની મર્યાદામાં પરિક્રમા પ્રતિકાત્મક રૂપે યોજવામાં આવી હતી.
6 પાછલા 25 મહિનાથી એગ્રીકલ્ચર યુનિવર્સીટી કુલપતિ વિહોણી
જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પાછલા બે વર્ષ કરતા વધુ સમયથી પૂર્ણ સમયના કુલપતિ મળી રહ્યા નથી. જેને લઇને મહત્ત્વની ગણાતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિનો ચાર્જ પાછલા 25 મહિનાથી કાર્યકારી કુલપતિને સોંપવામાં આવે છે. પાછલા 25 મહિના દરમિયાન બે જેટલા કાર્યકારી કુલપતિ વય નિવૃત થયા છે. તેમ છતાં કૃષિ વિભાગને મહત્વની યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક કરવાને લઈને કોઈ અનુકૂળતા ઉભી થતી નથી.