- જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં
- વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા જૂનાગઢ જિલ્લાના ધરતીપુત્રો
- 15 જૂન બાદ મોટા ભાગની ચોમાસુ વાવણી હોય છે પૂર્ણતાને આરે
જૂનાગઢઃ રાજ્યમાં 16-17 મેંએ તૌકતે વાવાઝોડ (taukte cyclone)ના લીધે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ હતુ. સૌરાષ્ટ્રના જિલ્લાના અનેક ખેડૂતોને બાગાયતી પાક જેવા કે કેરી, કેળા, ચીકુ વગેરે જેવા પાકમાં નુકસાન પહોંચ્યુ હતુ. ત્યારે હવે જૂનાગઢ જિલ્લામાં વરસાદ (junagadh rain) ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. જિલ્લાની મોટા ભાગની ખેતી લાયક જમીન પર હજુ સુધી ચોમાસાનો પૂરતો વરસાદ નહીં પડવાને કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
ચોમાસુ વાવેતર માટે પૂરતો વરસાદ નહીં પડતાં જગતનો તાત ચિંતામાં
સામાન્ય પણે હાલમાં એટલે કે 15 જૂન બાદ અને ભીમ અગિયારસની આસપાસ ચોમાસાના વરસાદનું આગમન થઇ જતું હોય છે. પરંતુ હવે જૂન મહિનો પૂરો થવાની કલાકો ગણાઇ રહી છે. આવી પરિસ્થિતિમાં હજુ સુધી જૂનાગઢ શહેર તાલુકો અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં અને ખાસ કરીને ચોમાસુ વાવેતર માટે પૂરતો વરસાદ નહીં પડતાં જગતનો તાત ખૂબ જ ચિંતાતુર બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હવે અવકાશી રોજી પર આધારિત ખેડૂત ચોમાસુ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે.