- જૂનાગઢ પોલીસે ગીર સોમનાથ અને જૂનાગઢમાંથી બાઇક ચોરની કરી ધરપકડ
- જૂનાગઢ નજીક સાબલપુર ચોકડી પાસેથી પાંચ બાઇક સાથે ચોરને ઝડપાયો
- ઝડપાયેલા ઈસમ પાસેથી ચોરી કરાયેલી પાંચ બાઇક પણ મળી આવી
જૂનાગઢઃ જિલ્લા પોલીસે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી બાઇકની ચોરી કરતાં કેશોદના એક ચોરને શહેર નજીક આવેલી સાબલપુર ચોકડી પાસેથી ચોરીના પાંચ બાઇક સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃપોરબંદર પોલીસે પોકેટ કોપની મદદથી આઠ વર્ષ જૂનો બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો
પોલીસે યુવકની પૂછપરછ કરતા 8 બાઈકો ચોરી કરી હોવાની કબૂલાત કરી
જૂનાગઢ પોલીસે બુધવારે પૂર્વ બાતમીના આધારે શહેરની સાબલપુર ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરતા એક યુવકની પૂછપરછ કરતા યુવાન બાઇકની ચોરી કરવા માટે આ વિસ્તારમાં આવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરી કરનાર યુવકની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની પૂછપરછમાં યુવાને જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાંથી 8 જેટલી બાઈક ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. જે પૈકી 5 બાઈક સાથે યુવકને પકડી પાડીને જૂનાગઢ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ચોરીના બુલેટ સાથે ફોટો પડાવવાનું આરોપીને ભારે પડ્યું
કેશોદનો યુવાન દિવસ દરમિયાન રેકી કરીને બાઈક ચોરીને આપતો હતો અંજામ
કેશોદનો ચિરાગ બાલસ નામનો યુવાન બાઇક ચોરી કરવા માટે કેશોદથી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં દિવસ દરમિયાન રેકી કરતો હતો. સમય મળતાની સાથે જ બાઈક ચોરી કરીને ફરાર થઇ જતો હતો. ચોરીની બાઇક તે અન્ય વ્યક્તિઓને બિલકુલ સસ્તા ભાવે વહેચતો હતો. આ ખુલાસો ચોરીની બાઈક સાથે પકડાયેલા ચિરાગે જૂનાગઢ પોલીસ સમક્ષ કર્યો છે. પોલીસે ચિરાગ પાસેથી ચોરી કરાયેલી પાંચ બાઇક કબ્જે કરી છે. આ ચોરી કરેલી બાઈકની અંદાજિત બજાર કિંમત એક લાખ 80 હજાર કરતાં વધુની હશે. પોલીસે ચોર ચિરાગ બાલસની ધરપકડ કરીને વધુ કોઈ પણ પ્રકારના ગુના સાથે સંકળાયેલો છે કે નહીં તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.