- રાજકોટ, વડોદરા બાદ જૂનાગઢ મનપાએ માંસાહાર વિરુદ્ધ પ્રસિદ્ધ કર્યું જાહેરનામું
- જૂનાગઢ શહેરના જાહેર માર્ગો પર ઈંડા સહિત માંસાહારની ચીજ-વસ્તુઓ વેચવાનું થયું પ્રતિબંધિત
- જાહેરનામાનો ભંગ કરનાર લોકો વિરુદ્ઘ મનપા અને વહીવટીતંત્ર કરશે કાર્યવાહી
જૂનાગઢઃરાજકોટ, વડોદરા બાદ આજે જૂનાગઢ મનપાએ પણ શહેરના રાજમાર્ગો પર ઈંડા સહિત અન્ય માંસાહારની(Eggs and other carnivores) રાંધેલી ચીજ વસ્તુઓ ના વેચાણ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આવતી કાલથી આ પ્રકારનો પ્રતિબંધ અમલમાં આવશે તે મુજબનું જાહેરનામું માધ્યમોને તેમની ઓફિસ દ્વારા પુરૂં પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૂનાગઢ શહેરના રાજમાર્ગો પર ઈંડા સહિત અન્ય રાંધેલો માંસાહાર ખોરાક રેકડીઓ કે અન્ય અસ્થાયી આડસ ઊભી કરીને વહેંચવાનો આવતી કાલથી પ્રતિબંધ કર્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પ્રતિબંધને લઈને નિવેદન
જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા ની ઓફિસ દ્વારા તમામ માધ્યમોને જૂનાગઢ શહેરમાં માંસાહાર અને ઈંડા સહિત રાંધેલી ચીજવસ્તુઓ જાહેર માર્ગે પર વહેંચવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવું જાહેરનામું મોકલવામાં આવ્યું છે. આ જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે કે જૂનાગઢ મનપાના મેયર સહિત તમામ પદાધિકારીઓએ ગત 28મી સપ્ટેમ્બર 2021 ના રોજ એક પત્ર દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં આ પ્રકારના માંસાહારને અસ્થાઈ રૂપે વહેંચતા એકમો પ્રતિબંધિત કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. પરંતુ દિવાળીના સમયને ધ્યાને લઇને 28/ 9/ 2021 ના દિવસે કરવામાં આવેલી રજૂઆતને મુલતવી રાખવામાં આવી હતી જેનું આવતીકાલથી ચુસ્ત અમલ થવા જઈ રહ્યો છે.