લોકડાઉન વેકેશનના સમયનું ઊગી નીકળે તેવું રોકાણ કરતાં જૂનાગઢના બાળકો - કોરોના અવેરનેસ કેમ્પેઇન
પાશ્ચાત્ય જગતમાં કહેવાય છે કે ટાઈમ ઇઝ મની. મનીની વાત આવે તો ઇન્વેસ્ટમેન્ટની વાત પણ આવે. આવું ઇન્વેસ્ટમેન્ટ ઓફ ટાઈમ કરી રહ્યાં છે જૂનાગઢના બાળકો. 50 દિવસથી lock down ને લઈને કેટલાક બાળકો કોરોના વાઇરસ પ્રત્યે લોકોને જાગૃત કરવા એક ખાસ પ્રકારની પત્રિકાની વહેંચણી કરી રહ્યાં છે.
જૂનાગઢઃ કોરોના વાયરસે એક ઝાટકે સમગ્ર વિશ્વની ગતિને બ્રેક મારી દીધી છે આવા સમયમાં અભ્યાસથી લઈને તમામ ગતિવિધિઓ બંધ જોવા મળી રહી છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સમયમાં ઈતર પ્રવૃત્તિમાં જોડાયાં હતાં. પરંતુ જૂનાગઢના કેટલાક વિદ્યાર્થીઓએ હવે આ સમયનો સદુપયોગ થાય અને લોકોને કોરોના વાઇરસ અંગે સાચી અને સચોટ જાણકારી મળે તેવા હેતુ સાથે શહેરમાં પત્રિકા વહેંચીને લોકોને કોરોના વાયરસની ગંભીરતા અને તેમાં કેવી સાવચેતી રાખવી જોઈએ તે વિશે જાગૃત કરી રહ્યાં છે.
આ વિદ્યાર્થીઓએ કોરોનાના ક ખ ગ થી લઈને જ્ઞ સુધી કક્કો એવી રીતે પત્રિકાના રૂપમાં સેટ કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ કક્કો એકવખત ધ્યાનપૂર્વક વાંચી જાય એટલે કોરોના શું છે તેનાથી કેવી રીતે બચી શકાય અને આ કપરા સમયમાં કેવી સાવચેતી રાખવી તે અંગે પુરું જ્ઞાન મળી જાય. બાળકો પત્રિકા વિતરણ કરી રહ્યાં હતાં ત્યારે પસાર થઈ રહેલા જૂનાગઢ મ્યૂનિસિપલ કમિશનર તુષાર સુમેરા પણ બાળકોની ગતિવિધિ જોઈને તેમની સાથે જોડા યાં હતાં અને બાળકોને બિરદાવ્યાં હતાં. તેમણે આ પ્રકારની જનજાગૃતિ માટે બાળકો જે રીતે રસ્તા પર ઉતરી રહ્યા છે તેને જોઇને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જૂનાગઢ શહેર કોરોનામુકત બની રહેશે.
આ પ્રકારનું વેકેશન બાળકોને મળ્યું હોય તેવો ઇતિહાસ જૂનાગઢમાં જોવા નથી મળતો. શાળાઓ તો બંધ છે જ સાથે ખાનગી કોચિંગ ક્લાસીસ પણ બંધ છે. તમામ પ્રકારની શૈક્ષણિક ગતિવિધિઓ હજુ પણ ૧૫મી જૂન સુધી બંધ રહેશે. ત્યારે પોતાને મળેલાં સમયમાં બાળકો સામાજિક જવાબદારીઓ સમજીને લોકોને પણ સમજાવી રહ્યાં છે એ ખરેખર બિરદાવવાલાયક છે.