- જુનાગઢ ST વિભાગને શર્મસાર કરતી ઓડિયો ક્લિપ વાયરલ
- જેતપુર ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર મહિલા કર્મચારી પાસે અઘટિત માગ કરતા હોવાની વિગતો આવી સામે
- જુનાગઢ ST વિભાગના ઉરચ અધિકારીએ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને કર્યા ફરજ મોકૂફ
જુનાગઢ: ST વિભાગને શર્મસાર કરતા હોય તે પ્રકારની ઓડિયો ક્લિપ સામે આવી છે. જુનાગઢ ડિવિઝન નીચે આવતા જેતપુર ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરે ST નિગમમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી પાસે અઘટિત માગ કરતા હોય તેવો ઓડિયો આજે વાયરલ થયો છે. સમગ્ર મામલે તુર પકડતા જુનાગઢ ST વિભાગના પ્રાદેશિક નિયામક જી. ઓ. શાહે તાકિદની અસરથી જેતપુર ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરને ફરજ મોકૂફ કરવાનો આદેશ કરીને સમગ્ર મામલાની તપાસ ST વિભાગના મહિલા અધિકારીને સોંપી દીધી છે.
આ પણ વાંચો:જુનાગઢ માળીયા હાટીના ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં મોટે પાયે ભંગાણ
સમગ્ર મામલાને લઇને મહિલા કર્મચારીએ નોંધાવી નથી હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ
ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને મહિલા કર્મચારીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં જુનાગઢ ST નિગમના વિભાગીય અધિક્ષક જી. ઓ. શાહે તાકીદે પગલાં ભરીને ટ્રાફિક ઇન્સ્પેક્ટરને ફરજ મોકૂફ કરી દીધા છે. ત્યારે સમગ્ર મામલાને લઇને મહિલા કર્મચારી દ્વારા હજુ સુધી વિધિવત રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, પરંતુ મામલો ખૂબ જ ગંભીર અને મહિલાઓની સુરક્ષાને લઈને સામે આવતા જુનાગઢ ST નિગમના વિભાગીય અધિક્ષકે સમગ્ર મામલામાં ST વિભાગના મહિલા અધિકારીઓને સમગ્ર મામલાની તપાસ સોંપવાનો આદેશ પણ કરી દીધો છે. આગામી દિવસોમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને જો ટ્રાફિક ઇન્સ્પેક્ટર કે અન્ય કોઈપણ વ્યક્તિ આ પ્રકારની અઘટીત કામગીરીમાં શામેલ હશે તેવા પ્રત્યેક વ્યક્તિ વિરુધ્ધ ST વિભાગ આકરી કાર્યવાહી કરશે તેવુ નિયામક જી. ઓ. શાહે ETV bharat સમક્ષ કરેલી વાતચીતમાં જણાવ્યું હતુ.
આ પણ વાંચો:જૂનાગઢના ધારાસભ્યએ કર્યો ગેરકાયદેસર સિંહ દર્શનનો આક્ષેપ