જૂનાગઢ: પાછલા છ મહિના કરતાં વધુ સમય પછી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણના એકસાથે 32 કેસ (Junagadh Corona Update) સામે આવ્યા છે, જે ખૂબ ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે. ગઈ કાલ સુધી જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક આંકડામાં આવતા સંક્રમિત કેસોમાં આજે અચાનક 200 ટકાનો વધારો થયો છે. જે આવનારા દિવસોમાં જૂનાગઢ શહેર માટે ચિંતાનો વિષય બની શકે છે. પાછલા 6 દિવસ દરમિયાન જૂનાગઢ શહેરમાં 68 જેટલા કોરોના સંક્રમિત કેસો નોંધાયા હતા, જે પૈકીના આજે એક સાથે 32 કેસ નોંધવામાં આવ્યા છે. કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા 16 વ્યક્તિઓ આજે કોરોના સંક્રમણથી મુક્ત થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ 12706 લોકોને કોરોના રસીકરણ (Vaccination in Junagdh) અંતર્ગત આવરી લેવામાં આવ્યા. અત્યાર સુધીમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં અંદાજિત 40000 જેટલા શાળામાં અભ્યાસ કરતા કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
પાછલા એક અઠવાડિયા દરમિયાન સંક્રમણ
પાછલા એક અઠવાડિયા દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં 68 જેટલા વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા હતા. સૌથી સુખદ અને સારી વાત એ છે કે હજુ સુધી જૂનાગઢ શહેર કે જિલ્લામાં કોરોના સંક્રમણને લઈને મોત નોંધાયું નથી. તો બીજી તરફ કોરોના સંક્રમણ આવ્યા બાદ સારવાર લઈ રહેલા 39 જેટલા દર્દીઓને કોરોના સંક્રમણથી મુક્ત થતા તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તો બીજી તરફ આફ્રિકાથી આવેલો એક વ્યક્તિ ઓમિક્રોન વાયરસથી સંક્રમિત સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, આ એક માત્ર કેસ જૂનાગઢ જિલ્લામાં ઓમિક્રોન (Omicron in Junagadh) વાયરસના સંક્રમણનો આજ દિન સુધી નોંધાવા પામ્યો છે .