મંગળવારે સમગ્ર રાજ્યમાં 'નર્મદા નીરના વધામણા'નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. કેવડીયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા છે, એ જ પ્રકારે જૂનાગઢમાં પણ નર્મદાના નીરને વધાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ હાજરી આપી હતી. જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા સરોવરમાં શાસ્ત્રોક્ત વિધિ તેમજ મંત્રોચાર સાથે સરોવરમાં શ્રીફળને અર્પણ કરીને માં નર્મદાના જળનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નમામિ દેવી નર્મદે: જૂનાગઢમાં જયેશ રાદડીયાએ નર્મદા નીરના કર્યા વધામણા
જૂનાગઢ: મંગળવારે સમગ્ર રાજ્યમાં માં નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, ત્યારે જૂનાગઢ ખાતે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની હાજરીમાં નરસિંહ મહેતા સરોવરમાં માં નર્મદા નીરના ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જોગાનુજોગ 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે જેને લઈને પણ આજનો કાર્યક્રમ ખાસ મહત્વ રાખે છે. નરસિંહ મહેતા સરોવર ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રધાન જયેશ રાદડિયા, જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ, જિલ્લાભરના ઉચ્ચ અધિકારીઓ અને જૂનાગઢના નાગરિકો પણ આ કાર્યક્રમમાં જોડાઈને માં નર્મદાના નીરને આવકાર્યા હતા. તો બીજી તરફ શાળાના વિદ્યાર્થીઓ પણ સૌરાષ્ટ્રની શાન કહી શકાય તેવા રાસ ગરબાની રમઝટ બોલાવીને ઉપસ્થિત મહેમાનોની સાથે માં નર્મદાના નીરને પણ આવકાર્યું હતું.