- સામાન્ય બોલાચાલી બાદ દંપતી પર થયો જીવલેણ હુમલો
- હુમલામાં પતિ-પત્ની ઘાયલ થતા નોંધાય પોલીસ ફરિયાદ
- પોલીસે હુમલાખોર શખ્સોને પકડવા કવાયત હાથ ધરી
જૂનાગઢઃ સામાન્ય બોલાચાલીમાં મારામારી અને જીવલેણ હુમલો એ જૂનાગઢમાં સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢના સી ડિવિઝન પોલીસમથક હેઠળ આવતા પાઠકનગરમાં સામાન્ય બોલાચાલી બાદ આજ વિસ્તારના કુખ્યાત 3 શખ્સે એક દંપતી પર જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેમાં મહેશ ગોસ્વામી નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-જામનગરની ઠેબા ચોકડી પાસે સરાજાહેર હત્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઈજાગ્રસ્તના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી
જુનાગઢના પાઠકનગર વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ દંપતી પર આ જ વિસ્તારના 3 કુખ્યાત ઈસમોએ હુમલો કરતા હુમલામાં ઘાયલ મહેશ ગોસ્વામી નામના વ્યક્તિને ઈજા થઈ હતી, જેને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત મહેશના પત્નીએ સમગ્ર મામલાને લઈને જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને દંપતી પર જીવલેણ હુમલો કરવાના આરોપસર તેને પકડી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો-ભિલોડા પોલીસ પર ટોળાએ હુમલો કરનાર 36 સામે ગુનો નોંધયો
લખન રબારી નામના શખ્સે ઘરમાં જઈને દંપતી પર હુમલો કર્યો
ઈજાગ્રસ્ત થયેલા મહેશ ગોસ્વામીને થોડા દિવસો અગાઉ પાઠકનગરના લખન રબારી સામે કોઈ બાબતને લઈને સામાન્ય બોલાચાલીની ઘટના બની હતી, જેને લઇને લખન રબારીએ બે દિવસ પૂર્વે મહેશ ગોસ્વામી અને તેની પત્નીને તેમના ઘરમાં જ જઈને લાકડી અને ધારિયા વડે ઈજા પહોંચાડતાં આ હુમલામાં પતિ-પત્ની બંને ઘાયલ થયા હતા. આ પૈકી મહેશ ગોસ્વામીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ કરવો પડ્યો હતો. સમગ્ર મામલાની જૂનાગઢ સી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.