- જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં સૌથી વધારે 15 ઇંચ ધોધમાર વરસાદ
- ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ નાના-મોટા 8 જળાશયો ભરાયા
- વરસાદને પગલે લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્રની તાકીદ
જૂનાગઢ: શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા જૂનાગઢથી લઈને માંગરોળ સુધીના તમામ 9 તાલુકાઓમાં 1થી લઈને 15 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડ્યો છે. વિસાવદર તાલુકામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. અતિ ભારે વરસાદના કારણે વિસાવદરનો ધ્રાફડ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના ધસમસતા પાણીના પ્રવાહના કારણે સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લાની સૌથી મોટી નદી ઓજતમાં પણ ભારે વરસાદના કારણે નવા નીરની આવક થઇ છે.
આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી
જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે જૂનાગઢ નજીક આવેલા આણંદપુર વેલિંગ્ટન અને હસનાપુર ડેમ પણ ઓવરફ્લો થયા છે. એક જ વરસાદમાં જૂનાગઢની જીવાદોરી સમાન ત્રણેય ડેમો ઓવરફ્લો થતાં જૂનાગઢમાં એક વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. પાછલા કેટલાક સમયથી જૂનાગઢમાં વરસાદની કાગડોળે રાહ જોવાઇ રહી હતી, ત્યારે 24 કલાકમાં જ મોટાભાગના જળાશયો અને નદીઓમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હજુ પણ આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.