- ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ ધાર્મિક આસ્થા સાથે ઉજવવામાં આવે છે
- અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુપૂર્ણિમાનો ધાર્મિક તહેવાર ઉજવાય છે
- શિષ્ય દ્વારા ગુરુ પૂજનનો અનેરો મહિમા
જૂનાગઢ : આજે સમગ્ર ભારત વર્ષમાં ગુરુપૂર્ણિમાનો ધાર્મિક તહેવાર ભારે આસ્થા સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે અષાઢ સુદ પૂનમના દિવસે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમા( Guru Purnima 2021 )નો ધાર્મિક તહેવાર મનાવવામાં આવતો હોય છે. આ ઉપરાંત, અનેક વૈદના રચિયતા વેદ વ્યાસનો અષાઢ સુદ પૂનમના દિવસે જન્મ થયો હોવાને કારણે આ તહેવારને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનું વિશેષ મહત્વ
આજના દિવસે ગુરુ મહારાજના દર્શન અને ચરણ સ્પર્શ કરવાથી પ્રત્યેક જીવનો આત્મા ઉન્નત થતો હોય છે, ત્યારે આપણે હિન્દુ ધર્મગ્રંથોમાં આત્માને ઉન્નત કરનાર તરીકે પણ ગુરુનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. આપણા ધર્મગ્રંથોમાં માતા-પિતાને પણ ગુરુ માનવામાં આવ્યા છે. પોતાના પ્રત્યેક બાળકનો સંસ્કૃતિ સાથે સિંચન કરીને તેને સમાજ વ્યવસ્થાનો ભાગ બનાવે છે, ત્યારે પ્રત્યેક જીવનને માર્ગદર્શન આપનાર પ્રત્યેક વ્યક્તિ ગુરુ સમાન માનવામાં આવે છે અને આજે આવા જ ગુરુજનોના વંદન દર્શન અને ચરણ સ્પર્શ કરવાનો વિશેષ અવસર સૌ કોઈને સદભાગ્યે પ્રાપ્ત થઈ રહ્યો છે.
ગુરુ શિષ્યનો પાવન પર્વ એટલે ગુરુપૂર્ણિમા 2021 ભગવાન રામ અને કૃષ્ણને પણ સદગુરુની જવું પડ્યું ચરણોમાં
તેવું કહેવામાં આવે છે કે, હિન્દુ ધર્મ ગ્રંથોમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ અને દ્વારિકાધીશ ભગવાન શ્રીકૃષ્ણને પણ ગુરુ પાસે જવું પડ્યું હતું. ભગવાન શ્રીરામે તેમના ગુરુ વશિષ્ઠ પાસેથી ધર્મની સાથે રાજસત્તાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન શ્રીરામ ગુરૂ વશિષ્ઠને સદાય માટે પોતાના પથદર્શક, માર્ગદર્શક અને મુશ્કેલીમાંથી બહાર કાઢનારા સદગુરુ તરીકે કાયમ માટે યાદ કરતા હતા, તો બીજી તરફ દ્વારકાધીશ તરીકે પૂજાતા ભગવાન શ્રીકૃષ્ણએ પણ સાંદીપનિ ઋષિને ગુરુ તરીકે પૂજ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ ગુરુ સાંદીપનિના માર્ગદર્શન અને તેમના બતાવેલા માર્ગો સાથે આગળ ચાલી પરમેશ્વર સુધી પહોંચીને આજે ભગવાન શ્રીકૃષ્ણના નામે પુજાઇ રહ્યા છે. પ્રત્યેક જીવ ગુરુ તત્વ અને ગુરુ પરંપરાથી સત્ય અને મોક્ષના માર્ગે વળી શકે છે, તેવો ઉલ્લેખ આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. જેને લઇને ગુરુ પૂર્ણિમાના તહેવારનું આપણા ધર્મમાં ખૂબ જ મહત્વ આંકવામાં આવ્યું છે.
ગુરુ શિષ્યનો પાવન પર્વ એટલે ગુરુપૂર્ણિમા 2021 આદિ અનાદિકાળથી ગુરુ શિષ્યના સંબંધો
હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના સંબંધને અતિ પવિત્ર સંબંધ માનવામાં આવ્યો છે, એટલે જ કહેવાય છે કે આદિ અનાદિકાળથી ગુરુ-શિષ્યનો ઉલ્લેખ હિન્દુ ધર્મ ગ્રંથોમાં અને ધાર્મિક રીત રીવાજો અને પરંપરાઓમાં આજે પણ જોવા મળી રહ્યો છે. આજે કરોડો વર્ષ બાદ પણ ગુરુ શિષ્ય પરંપરા સતત અવિરત અને ધાર્મિક આસ્થા સાથે જળવાયેલી જોવા મળી રહી છે. પ્રત્યેક વ્યક્તિને સદગુરુનો ભેટો થતાં તે જીવ મોક્ષ તરફ આગળ વધે છે અને સદગુરુ જ પ્રત્યેક જીવને મોક્ષના માર્ગે મોકલી શકે છે. આવી ધાર્મિક માન્યતા સાથે ગુરુ શિષ્યના સંબંધને ખુબજ પવિત્ર સંબંધ તરીકે આપણા ધર્મગ્રંથોમાં માનવામાં આવે છે.
ગુરુ શિષ્યનો પાવન પર્વ એટલે ગુરુપૂર્ણિમા 2021 ગુરુ દત્તાત્રેયએ 24 જેટલા ગુરુ બનાવ્યા
ગુરુ દત્તાત્રેયએ તેમના જીવનકાળ દરમિયાન 24 જેટલા ગુરુઓ બનાવ્યા હતા. ગુરુ દત્તાત્રેય માનતા હતા કે, જે વ્યક્તિ વસ્તુ કે જીવને નવું માર્ગદર્શન, નવી શિખામણ આપે અને ઉન્નતિના માર્ગ પર જવાનો રસ્તો બતાવે તે તમામ પ્રત્યેક જીવ માટે ગુરુ સમાન માનવા જોઈએ. આથી ગુરુ દત્તાત્રેય પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, મૃગ, કબુતર, સમુદ્ર, જળ, આકાશ, માછલી, બાળક, પક્ષી, કુમારીકા, હાથી, અજગર, ભમરો, વાયુ, પિંગલા, પતંગા, મધમાખી, અગ્નિ, કુરુર, તીર, કામઠું બનાવનાર મકડી સહિત 24 જેટલા તત્વોને પોતાના ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. ગુરુ દત્તાત્રેય તેમના દ્વારા પ્રસ્થાપિત કરેલા 24 ગુરુઓમાંથી જીવનના પ્રત્યેક ક્ષણે કોઈ નવું માર્ગદર્શન, નવી પ્રેરણા અને મોક્ષના માર્ગે જવાનો જે નિર્દેશ ગુરુઓ દ્વારા પ્રાપ્ત કર્યો હતો.