- કોરોના વાઈરસને કારણે અંતે લીલી પરિક્રમા રદ
- જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આપી માહિતી
- પ્રતિકાત્મક પરિક્રમા કરવા દેવાની મંજૂરી સાધુ-સંતોને આપવામાં આવશે
જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે ગરવા ગઢ ગિરનારની આદી અનાદી કાળથી યોજાતી આવતી લીલી પરિક્રમા અંતે રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આજે જાહેરાત કરી છે. વધુમાં જણાવ્યું છે કે પરિક્રમા કોરોનાને કારણે રદ્દ કરવામાં આવી છે, પરંતુ સાધુ સમાજ દ્વારા પ્રતિકાત્મક પ્રેમ પરિક્રમા દર વર્ષે યોજાતી હોય છે. સાધુ સમાજ દ્વારા જો કોઈપણ પ્રકારની મંજૂરી માંગવામાં આવશે ધાર્મિક વિધિ વિધાન મુજબ પ્રતિકાત્મક પરિક્રમા કરવા દેવાની મંજૂરી સાધુ-સંતોને આપવામાં આવશે, પરંતુ હજુ સુધી તેમના દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી માગવાની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. જો આગામી દિવસોમાં આ પ્રકારની મંજૂરી માગવામાં આવશે, તો દર વર્ષે જે પ્રકારે સાધુ સમાજ પ્રતિકાત્મક પરિક્રમાની શરૂઆત કરાવે છે. ત્યારબાદ સામાન્ય લોકો માટેની પરિક્રમા શરૂ થાય છે કે પરિક્રમા ચોક્કસ થશે અને આ પરિક્રમાનું જે ધાર્મિક મહત્વ છે તે આ વર્ષે પણ જોવા મળશે.
કોરોના સંક્રમણને કારણે પરિક્રમા રદ કરવામાં આવી
આદિ-અનાદિ કાળથી ગરવા ગિરનારની ગોદમાં આયોજિત કરવામાં આવતી લીલી પરિક્રમા શનિવારના રોજ રદ કરવાની વિધિવત જાહેરાત કરવામાં આવી છે, જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આજે પત્રકાર પરિષદ દરમિયાન પરિક્રમા કરવાની જાહેરાત કરી હતી. કોરોના સંક્રમણને કારણે પરિક્રમા રદ કરવામાં આવી છે, કેન્દ્રના ગૃહ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે, તે મુજબ જાહેર મેળાવડા આવો અને મેળાઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં પાંચ લાખ કરતા વધુ ભાવિકોને હાજરીની વચ્ચે દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જાણો લીલી પરિક્રમાનો ઈતિહાસ
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લીલી પરિક્રમાની શરૂઆત કરાઈ હતી, ત્યારથી આ બોરદેવીની જગ્યાનું ધાર્મિક મહત્વ છે. ભગવાન કૃષ્ણ દ્વારા બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન થાય, તે માટે ગિરનારની પરિક્રમા કરી હતી, ત્યારબાદ પરિક્રમાની શરૂઆત થઈ હતી. પરિક્રમાના અંતિમ પડાવ એટલે કે બોરદેવી નજીકના જંગલમાં બોરડીના વૃક્ષ નીચે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતાં, ત્યારથી અહીં માં અંબાના સ્વરૂપ સમાન બોરદેવી માતાની પૂજા થતી આવે છે.
બહેન સુભદ્રા અર્જુનની ધર્મ પત્ની બને તે માટે પરિક્રમા કરવાનો નિર્ધાર ભગવાન શ્રીકૃષ્ણએ વ્યક્ત કર્યો હતો. કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ભગવાન શ્રીકૃષ્ણ ગીરનારના જંગલમાં વાસ કરીને પરિક્રમા કરી હતી. તેનો ઉલ્લેખ ધાર્મિક પુરાણોમાં જોવા મળે છે. સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગિરનારની પરિક્રમા કરવામાં આવી હતી. તે સમયે 33 કોટી દેવતાઓએ ભગવાન કૃષ્ણનું સાનિધ્ય મળી રહે, તે માટે અહીં વસવાટ કર્યો હોવાની ધાર્મિક માન્યતા છે. તેથી ગિરનારમાં 33 કોટી દેવતાનો વાસ છે, તેવું પણ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે પરિક્રમામાં પટ્ટરણી રૂકમણી, બહેન સુભદ્રા, અર્જુન અને અન્ય યાદવકુળના લોકો સાથે હતાં, ત્યારે શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમા કરવાની ધાર્મિક પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દર વર્ષે લાખો લોકો આ પરિક્રમા કરી ધન્ય થાય છે.