- નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સ અભ્યાસક્રમની થશે શરૂઆત
- આવતા વર્ષથી ફોરેન્સિક સાયન્સનો માસ્ટર ડિગ્રીના અભ્યાસક્રમની શરૂઆત થશે
- સોરઠમાં રોજગારીની તક વધશે
જૂનાગઢઃ શહેરમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સનો માસ્ટર ડિગ્રીનો અભ્યાસ શરૂ થવા જઇ રહ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ચેતન ત્રિવેદીએ ETV ભારત સમક્ષ કરેલી વાતચીતમાં સમગ્ર અભ્યાસક્રમને લઈને જાહેરાત કરી હતી.
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સ અભ્યાસક્રમની થશે શરૂઆત હવે ઘર બેઠા ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ થઈ શકશે
ફોરેન્સિક સાયન્સનો અભ્યાસક્રમ શરૂ થતાં જૂનાગઢ અને સોરઠ વિસ્તારમાં રોજગારીની નવી તકોનું નિર્માણ થશે. વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરવા માગે છે, પરંતુ અભ્યાસક્રમને લઈને જે અગવડતા જોવા મળતી હતી, તેને કારણે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જતા હતા, તેવા વિદ્યાર્થીઓને હવે ઘર બેઠા ફોરેન્સિક સાયન્સનો અભ્યાસક્રમ મળવા જઈ રહ્યો છે. જેના થકી જૂનાગઢ હવે ધીમે-ધીમે શૈક્ષણિક ક્ષેત્રે પણ આગળ આવી રહ્યું છે.
રાજકોટ બાદ જૂનાગઢમાં સ્થપાશે ફોરેન્સિક સાયન્સને લઈને નવી સંસ્થાઓ
સૌરાષ્ટ્રમાં ફોરેન્સિક સાયન્સને લઈને રાજકોટ સિવાય અન્ય જગ્યાઓ પર અભ્યાસક્રમથી લઈને પ્રયોગશાળાઓ જોવા મળતી ન હતી. જેને કારણે કેટલીક અગવડતા પણ ઉભી થતી હતી, પરંતુ આવતા વર્ષે હવે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સનો અભ્યાસક્રમ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં પણ હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓની સ્થાપના થતી જોવા મળશે. જેથી કેટલાય બેરોજગાર યુવાનોને રોજગારી પણ પ્રાપ્ત થશે.