જૂનાગઢઃ શહેરમાં છેલ્લા 10 દિવસથી કોરોના સંક્રમણમાં ધીમો પરંતુ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ મનપા વિસ્તારમાં સંક્રમણને અટકાવવા માટે ધન્વંતરી રથને કામે લગાડવામાં આવ્યા છે. ધન્વંતરી રથ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે.
જૂનાગઢમાં ધન્વંતરી રથની કામગીરી
- 15 વોર્ડમાં ધનવંતરી રથ કામ કરશે
- 15 વોર્ડના લોકોને આરોગ્યની ચકાસણી કરવામાં આવશે
- જરૂર જણાય તેવા દર્દીઓને દવા આપવામાં આવશે
જૂનાગઢ શહેરમાં સતત અને ધીમા પગલે કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ગંભીર ન બને તેને ધ્યાને લઇને જૂનાગઢ મનપા વિસ્તારના તમામ 15 વોર્ડમાં ધનવંતરી રથને કામે લગાડવામાં આવ્યા છે. ધન્વંતરી રથ દ્વારા 15 વોર્ડના લોકોને આરોગ્યની ચકાસણી કરવામાં આવશે અને જરૂર જણાય તેવા તમામ દર્દીઓને સારવારની સાથે સ્થળ પર દવા પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના સંક્રમણને પગલે જૂનાગઢમાં ધન્વંતરી રથ દ્વારા લોકોની આરોગ્ય તપાસ શરૂ કરાઈ બે દિવસ અગાઉ વડાપ્રધાન તેમના પ્રસિદ્ધ કાર્યક્રમ મન કી બાતમાં પણ ધન્વંતરી રથની ઉપયોગીતા અને કાર્યક્ષમતાને લઈને કેટલાક પાસાઓ વિશે વાત કરી હતી. ત્યારે કોરોનાના સંક્રમિત કાળમાં ધન્વંતરી રથ ખૂબ જ ઉપયોગી બની શકે છે. જેને ધ્યાને લઈને બુધવારથી જૂનાગઢ મનપા વિસ્તારમાં ધન્વંતરી રથને કામે લગાડવામાં આવ્યા છે.