- કેશોદ તાલુકામાં અનિયમિત વીજ પુરવઠાને લઈને ખેડૂતોની ઇચ્છામૃત્યુની માંગ
- મુખ્યપ્રધાનને પત્ર પાઠવીને વિજ અધિકારીઓને મુશ્કેલી અંગે જાણકારી આપી
- આગામી દિવસોમાં વીજ પુરવઠો નિયમિત નહીં બને તો ખેડૂતો કરશે આત્મહત્યા
જૂનાગઢ :જિલ્લાના કેશોદ તાલુકાના ગામોમાં (Farmers Of Junagadh ) કૃષિલક્ષી વીજજોડાણોમાં અનિયમિત આવી રહેલા વીજ પુરવઠાને લઈને ખેડૂત હિત રક્ષક સમિતિના (Khedut Hit Rakshak Samiti) નેજા નીચે ખેડૂતોએ આજે મંગળવારે મુખ્યપ્રધાન તેમજ જૂનાગઢ જિલ્લાના વીજ વિભાગના અધિકારીઓને ઈમેલ મારફત આવેદનપત્ર પાઠવીને ઇચ્છામૃત્યુની માંગ કરી છે, પાછલા કેટલાય સમયથી કેશોદ તાલુકાના કૃષિ જોડાણ સપ્લાયમાં (Power supply) ખૂબ જ વિક્ષેપ આવી રહ્યો છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતો કૃષિ પાકોને લઈને અનેક મુશ્કેલીઓમાં સપડાયેલા જોવા મળે છે. આગામી દિવસોમાં વીજ વિભાગ દ્વારા વીજ પુરવઠો પૂર્વવત નહીં કરવામાં આવે તો ખેડૂતોએ સામૂહિક રીતે આત્મહત્યા કરવાની માંગ કરતો પત્ર ઈ-મેલ દ્વારા પાઠવ્યો છે.
ક્ષતિને કારણે વીજપુરવઠો બને છે અનિયમિત
કેશોદ તાલુકાના 66kv સબ સ્ટેશન નીચે અનેક વીજ જોડાણ જોવા મળે છે, જેમાં કેશોદ માંગરોળ રોડ પર આવેલા ડોકામેડી ટ્રાન્સફોર્મરમાંથી સપ્લાય કરવામાં આવતા વીજ પુરવઠામાં અનેક વખત વિક્ષેપ જોવા મળે છે, રીપેરીંગના અભાવે વારંવાર વિજ કાપ જેવી સમસ્યાઓ ખેડૂતોને થઈ રહી છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. જો આગામી દિવસોમાં વિજ વિભાગ દ્વારા પુરવઠો પૂર્વવત અને રીપેરીંગ કામ સમયસર નહીં કરવામાં આવે તો ખેડૂતોને મળતા વીજકાપને બંધ કરવાને લઈને કેશોદમાં ધરણા પર બેસશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.